પહેલગામ આતંકી હુમલા બાદ દેશમાં શોકનો માહોલ છવાયો છે. સૌ કોઈ આતંકી હુમલાનો બદલો લેવાની માગ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતના એક કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, જ્યાં સુધી આતંકી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.
સુરતના અવધ ઉટોપિયા ખાતે ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના અને અન્ય શહેર ઇન્વેસ્ટરો એકત્રિત થયા હતા. ખાસ કરીને શેર બજારમાં ઇન્વેસ્ટ કરનારાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ અને જળ સંપત્તિ મંત્રી સી.આર. પાટીલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં આયોજકોએ સી.આર.પાટીલનું સન્માન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, પાટીલે માનભેર આયોજકોને સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. પાટીલ દ્વારા જ્યાં સુધી પહેલગામ હુમલાનો બદલો લેવામાં ન આવે ત્યાં સુધી કોઈપણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજરીમાં બુકે કે મોમેન્ટો દ્વારા થતું સન્માન સ્વીકારશે નહીં. સુરતમાં આયોજીત આજના કાર્યક્રમમાં તેઓએ ફક્ત આયોજકો સાથે ગ્રુપ ફોટો પડાવ્યો હતો સન્માન સ્વીકાર્યું ન હતું.