Monday, Nov 3, 2025

જમ્મુ કાશ્મીરના પહલગામમાં NIAએ કેબલ-કાર પ્રોજેક્ટને મંજૂરી આપી

2 Min Read

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ વિસ્તારમાં વિકાસ કાર્યો પર રોક લગાવવામાં આવી હતી. જયારે હવે એનઆઈએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામના બાયસરન વિસ્તારમાં 1.4 કિલોમીટરના કેબલ કાર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 120 કરોડનો છે. જે 18 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે અને પ્રવાસનને વેગ આપશે. બાયસરન એ જ વિસ્તાર છે જ્યાં 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.

એનઆઈએ પ્રોજેક્ટને મંજૂરી આપી
આ અંગે મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે આ પ્રોજેક્ટ પર એનઆઈએનો અભિપ્રાય માંગ્યો હતો, કારણ કે એજન્સી આ જ આતંકવાદી હુમલાની તપાસ કરી રહી છે. એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને પ્રોજેક્ટ પર અમારો અભિપ્રાય પૂછવામાં આવ્યો હતો અને અમે સ્પષ્ટ કર્યું હતું કે તપાસના દૃષ્ટિકોણથી અમને કોઈ વાંધો નથી.

હલગામ પછીની પરિસ્થિતિને કારણે કામ હજુ સુધી શરૂ થયું નથી
આ પ્રોજેક્ટ અંગે 27 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પહલગામના ધારાસભ્ય અલ્તાફ અહેમદ વાનીના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ એક કંપનીને સોંપવામાં આવ્યો હતો. પરંતુ પહલગામ પછીની પરિસ્થિતિને કારણે કામ હજુ સુધી શરૂ થયું નથી.

પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર
જમ્મુ અને કાશ્મીર કેબલ કાર કોર્પોરેશને આ 1.4 કિલોમીટરના પ્રોજેક્ટ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. જેમાં નીચેનું સ્ટેશન યાત્રી નિવાસની નજીક હશે અને ઉપરનું સ્ટેશન બાયસરનમાં હશે. આ પ્રોજેક્ટ માટે કુલ 9.13 હેક્ટર જમીનની જરૂર પડશે જે વન વિભાગ હસ્તગત છે.

કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જો કે, સુરક્ષાના લીધે એજન્સી હજુ સુધી સ્થળ નિરીક્ષણ કરી શકી નથી.

Share This Article