રાજ્ય સરકાર દ્વારા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી હતી. આ નિયમોમાં શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલ હોય તેઓને જિલ્લા ફેર-બદલી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેર-બદલીની અરજી ઓનલાઇન સોફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ/વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજુરી મળ્યેથી આખરી ઓનલાઇન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મૂજબ જિલ્લા ફેર-બદલીના હુકમો ઓનલાઇન જ કરવામાં આવશે.
આ જિલ્લા ફેર-બદલીઓ અંગેની અરજીઓ માટે મેરીટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ મેરીટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 30 પોઇન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે, દિવ્યાંગ/વિધવા/ત્યક્તા/વિધુર માટે 8 પોઇન્ટ્સ, સચિવાલયના બિન-બદલીપાત્ર કર્મચારીઓને પતિ-પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ 10 પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં, છેલ્લા ૩ વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10/ ધોરણ 12માં છેલ્લા ત્રણ વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિધાર્થીની સંખ્યા ધ્યાને લઇ વધુમાં વધુ 10 પોઇન્ટ્સની જોગવાઇ કરવામાં આવી છે.
આ દંપતીના કિસ્સામાં 1 માસના કરાર કે આઉટ સોર્સિંગથી નોકરી કરતાં કર્મચારીઓને લાભ નહીં મળે. વિધવા/ વિધુર કિસ્સામાં તેઓએ વિધવા/ વિધુર હોવા અંગેનું તથા પુનઃલગ્ન ન કર્યાં હોવાનું સ્વ-ઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. આ જિલ્લા ફેર-બદલીનો લાભ શિક્ષણ સહાયક/ મદદનીશ શિક્ષકને ફક્ત બે વાર મળી શકશે. શિક્ષકોને પ્રતિ-નિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે.
આ પણ વાંચો :-
 
								 
		 
		 
		 
		 
		 
		 
		 
		