Saturday, Oct 25, 2025

નેપાળના પૂર્વ પીએમ ઓલીનો પાસપોર્ટ રદ, ઓલી સહિત 5 નેતાઓ કાઠમંડુ નહીં છોડી શકે

2 Min Read

નેપાળના GEN-Z આંદોલન દરમિયાન યુવા પ્રદર્શનકારીઓ પર થયેલા ગોળીબારની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી સહિત 5 મુખ્ય વ્યક્તિઓને પરવાનગી વિના કાઠમંડુ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ ગૌરી બહાદુર કાર્કીના નેતૃત્વ હેઠળના આયોગે આ આદેશ જાહેર કરીને કેપી ઓલી સહિત અનેક નેતાઓના પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો હતો.

કમિશનના આદેશમાં પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી, પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખક, તત્કાલીન ગૃહ સચિવ ગોકર્ણ મણિ દુવાડી, આંતરિક ગુપ્તચર વિભાગના વડા હુત રાજ થાપા અને કાઠમંડુના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ છવી રિજાલનો સમાવેશ થાય છે. કમિશને આ બધા પર કડક દેખરેખ રાખવા અને કમિશનની પરવાનગી વિના કાઠમંડુ ન છોડવાનો નિર્દેશ આપ્યો છે.

આ સાથે જ કમિશને નેપાળ પોલીસ, સશસ્ત્ર પોલીસ દળ અને રાષ્ટ્રીય સંશોધન વિભાગને આ 5 વ્યક્તિઓની ગતિવિધિઓ પર નજર રાખવા અને દૈનિક અહેવાલો રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. કમિશને જણાવ્યું હતું કે GEN-Z આંદોલન દરમિયાન થયેલી હિંસાની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે આ પગલું જરૂરી છે.

દરમ્યાન ઓલીએ રાજીનામુ આપ્યા પછી પ્રથમવાર જાહેર મંચ પર હાજરી આપી હતી. તેઓ શનિવારે પાર્ટીના છાત્ર સંગઠન રાષ્ટ્રીય યુવા સંઘના કાર્યક્રમમાં ભક્તપુર પહોંચ્યા હતા. હિંસક પ્રદર્શનો પછી ઓલીએ ૯ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી પદ છોડી દીધું હતું. ત્યાર પછી તેઓ જાહેરમાં નહોતા દેખાયા. ઓલીએ જણાવ્યું કે હાલની જેન-ઝી તરીકે ગણાતી સરકાર બંધારણીય નથી તેમજ જનતાના મતથી પણ નથી બની. તેને તોડફોડ અને હિંસાથી બનાવવામાં આવી છે. ઓલીએ દાવો કર્યો હતો કે તેમણે પોલીસને આંદોલનકારીઓ પર ગોળી ચલાવવાનો આદેશ નહોતો આપ્યો, છતાં જનતા તેમના પર ક્રોધે ભરાઈ હતી.

ઓલીને શરૂઆતમાં નેપાળ આર્મી કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને પછી તેમને એક અસ્થાયી ઘરમાં શિફ્ટ કરાયા હતા. હવે પાર્ટીની બેઠક પછી તેઓ ફરી જાહેરમાં આવ્યા છે. માનવામાં આવે છે કે તેઓ યુવાઓ સાથે ફરી જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Share This Article