ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024ની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ તેના સુવર્ણ ચંદ્રકનો બચાવ કરી શક્યો ન હતો પરંતુ ચોક્કસપણે તેના દેશ માટે આ ઓલિમ્પિકનો પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો. બે વખત ગોલ્ડ મેડલ જીતવામાં નિષ્ફળ રહેલા નીરજ ચોપડાને તેના પહેલા થ્રોમાં ફાઉલ થયો હતો. આ પછી તેણે બીજા પ્રયાસમાં 89.45 મીટરનો થ્રો કર્યો. આ તેની કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો છે. આ થ્રોથી તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય તેના બાકીના થ્રો ફાઉલ હતા.

હાથમાંથી ગોલ્ડ મેડલ સરકી જવાનું દુઃખ વ્યક્ત કરતાંં નીરજે કહ્યું કે, ‘મેં મારું શ્રેષ્ઠ આપ્યું, પરંતુ દરેક ખેલાડીનો દિવસ હોય છે. આજે અરશદનો દિવસ હતો, તો ટોક્યોમાં મારો દિવસ હતો.’ આ સાથે જ નીરજે એક મોટી ભવિષ્યવાણી પણ કરી કે, ભલે હું પેરિસમાં આપણું રાષ્ટ્ર્ગાન ન વગડાવી શક્યો, પણ આ થશે જરૂર. હકીકતમાં જે દેશનો ખેલાડી ગોલ્ડ મેડલ જીતે છે તેનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે.
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યા બાદ આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, જ્યારે પણ તે થ્રો માટે દોડવાનું શરૂ કરે છે ત્યારે તેનું 60 થી 70 ટકા ધ્યાન ઈજા પર રહેતું હરું. આજે મેડલ ઈવેન્ટમાં મારી રેસ સારી ન હતી અને સ્પીડ પણ થોડી ધીમી હતી. આ સમસ્યા સાથે સંઘર્ષ કરતી વખતે જે બધુ કરવું જોઈએ તેમ હતું તે બધું જ કર્યું છે. મારી પાસે સર્જરી કરાવવાનો સમય નહોતો તેથી હું મારી જાતને સતત આગળ વધારી રહ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, પેરિસ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવા બદલ નીરજ ચોપરાને હાર્દિક અભિનંદન. તે સતત બે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લિટ છે. દેશને તેના પર ગર્વ છે. તેમની સિદ્ધિ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. ભારતને આશા છે કે, નીરજ ચોપરા ભવિષ્યમાં વધુ મેડલ જીતશે.
આ પણ વાંચો :-