નર્મદા નદીએ હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 135.94 મીટર સુધી પહોંચી ગઈ છે, જ્યારે ઉપરવાસમાંથી 4.99 લાખ ક્યૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે સિઝનમાં પહેલીવાર ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમ ઓવરફ્લોથી ફક્ત 2.74 મીટર દૂર છે અને છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 40 સેમીનો વધારો નોંધાયો છે. સુરક્ષા હેતુસર વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું છે કે પાણી છોડવાના પગલે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગોલ્ડન બ્રિજ નજીક નદીનો જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂક્યો છે. નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસવા સૂચના આપવામાં આવી છે.આ વધેલા જળસ્તરની અસર ગોરાઘાટ અને ચાણોદના મલ્હાર ઘાટ પર જોવા મળી છે. અહીં નદીના પાણીથી ઘાટો ગરકાવ થઈ ગયા છે, તેમજ ચાણોદ ઘાટનાં 95 પગથિયાં પાણીમાં ડૂબી ગયા છે. કરોડો રૂપિયાનાં નર્મદા આરતી, લેસર શો અને વોટર શો માટેનાં સાધનો સમયસર હટાવી લેવાયા છે, જેથી મોટું નુકસાન ટળ્યું છે. હાલ તમામ કાર્યક્રમો સ્થગિત છે, પરંતુ ચોમાસા બાદ એ ફરી શરૂ થશે. પ્રવાસીઓ માટે હાલ ઊંચાઈ પરના પાર્કિંગ સ્ટેન્ડ ખાતે વૈકલ્પિક આરતીની વ્યવસ્થા કરાઈ છે.
નર્મદા ડેમનો ઇતિહાસ પણ અગત્યનો છે. 2017માં 30 રેડિયલ ગેટ લગાવ્યા બાદ તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. 2019માં પહેલીવાર ડેમ છલોછલ ભરાયો હતો અને ત્યારબાદ 2020, 2021, 2023, 2024 અને 2025માં પાણી છોડવા ગેટ ખોલાયા છે. આ વર્ષે એક મહિના વહેલા જ ડેમ છલોછલ થયો છે.સરદાર સરોવર ડેમને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. તે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે. ડેમની પાયાની શિલા 1961માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ મૂકી હતી, પરંતુ લાંબી લડત અને પડકારો બાદ 2017માં તેની ઊંચાઈ 163 મીટર સુધી વધારીને તેનો ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો. આજે આ ડેમ લાખો ખેડૂતો અને કરોડો લોકો માટે જીવનરેખા સમાન સાબિત થઈ રહ્યો છે.