સુરતમાં તથ્ય પટેલ જેવા નબીરાએ અકસ્માત સર્જ્યો, દારૂ પીને ૬ બાઈકચાલકોને ફંગોળ્યા

Share this story
  • અમદાવાદ બાદ સુરતમાં પણ બેફામ કાર ચલાવતા નબીરાઓથી લોકોના જીવને જોખમ. BRTSના રૂટમાં કાર ચલાવી નબીરાએ છ બાઈકચાલકોને લીધા અડફેટે. નશાની હાલમાં કાર ચલાવતા યુવાનને લોકોએ માર મારી પોલીસના હવાલે કર્યો.

ગુજરાતમાં રોજ કોઈને કોઈ શહેરમાં કોઈ મોટા ઘરનો નબીરો ગાડીઓ ઠોકતા જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરતમાં થયેલ અકસ્માતે અમદાવાદની યાદ તાજી કરાવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે એક સ્વીફ્ટ કાર ચાલકે ૩-૪ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. જેમાં બાઈક ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

સુરતના કપોદ્રા વિસ્તારમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ જેવો અકસ્માત સર્જાયો છે. બીઆરટીએસ રુટમાં બેફામ સ્વીફ્ટ કાર હંકારીને અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ સાજન પટેલ હોવાનું સામે આવ્યું છે. સાજન પટેલ સુરતના ઉતરાણનો રહેવાસી છે. તે મૂળ સુરતી છે અને કાર લે-વેચનો ધંધો કરે છે. ત્યારે સાજન પટેલે પણ દારૂ પીધો હતો તેણે ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે.

બેફામ રીતે કાર હંકારીને ઢગલાબંધ બાઈક ચાલકોને અડફેટે લેનારાને સ્થાનિક લોકોએ તથ્ય પટેલની જેમ જ ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. તેણે પાંચ બાઈકને અડફેટે લીધી હતી. તેમજ બીઆરટીએસ રુટ ખાનગી વાહનો માટે પ્રતિબંધિત હોવા છતા તેમાં રમરમાટ સ્વીફ્ટ ગાડી ચલાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પર સવાર બે મિત્રો અડફેટે લેતા પીપી માણિયા હોસ્પિટલમાં ખસેડાયા છે. તો યસ કેવરિયા નામના યુવકને ગંભીર હાલતમાં ICU દાખલ કરાયો છે. કિશન હીરપરા નામના યુવકને હાથ ,પગના ભાગે ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો છે. અન્ય ૪ લોકોને પણ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આરોપી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યાવહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-