મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો અને ઐતિહાસિક ઘટનાક્રમ જોવા મળ્યો છે. પંચાયત ચૂંટણીમાં હાર બાદ, શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ આગામી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીઓ માટે ગઠબંધનની જાહેરાત કરી છે. લાંબા સમયથી અલગ અલગ રસ્તે ચાલી રહેલા ઠાકરે બંધુઓનું સાથે આવવું એ મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી ઘટના છે.
ઉદ્ધવ ઠાકરેએ મનસે વડા રાજ ઠાકરે સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું, “અમે સાથે રહેવા માટે જોડે આવ્યા છીએ,” જે લોકો ભાજપની અંદર ચાલી રહેલી ઘટનાઓને સહન નથી કરી શકતા તેઓ પણ શિવસેના (UBT)-મનસે ગઠબંધનમાં જોડાઈ શકે છે.
રાજ ઠાકરેએ કહ્યું, “મહારાષ્ટ્ર કોઈપણ ઝઘડા કરતાં મોટું છે. અમે ઘોષણા કરીએ છીએ કે અમારું ગઠબંધન બની ગયું છે, મુંબઈના મેયર મરાઠી હશે અને અમારા હશે.”
કાર્યક્રમને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં નેતૃત્વનો અધિકાર હંમેશા ઠાકરે પરિવાર પાસે જ રહ્યો છે અને આગળ પણ રહેશે. તેમણે કહ્યું, “મહારાષ્ટ્રનું નેતૃત્વ ઠાકરે પરિવારનું છે. ફક્ત ઠાકરે જ મહારાષ્ટ્રનું નેતૃત્વ કરી શકે છે.” ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનને સભામાં હાજર સમર્થકોએ જોરદાર તાળીઓ અને સૂત્રોચ્ચાર સાથે વધાવી લીધું હતુ.
આ ગઠબંધનની જાહેરાત બાદ, શિવસેના (UBT) ના વરિષ્ઠ નેતા સંજય રાઉતે તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો. કાર્યક્રમમાં ઉમટેલી ભીડ અને લોકોના ઉત્સાહનો હવાલો આપતા તેમણે કહ્યું કે જનતા આ એકતાનું દિલથી સ્વાગત કરી રહી છે. સંજય રાઉતે કહ્યું, “ઉપસ્થિત લોકોની સંખ્યા અને ઉત્સાહને જોતાં, એવું કહી શકાય કે આજનો દિવસ ઐતિહાસિક છે. આ ફક્ત સ્ટેજ શેર કરવા વિશે નથી, પરંતુ જાહેર વિશ્વાસનું પ્રતીક છે,”