દિલ્હી વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ નજીક આવતી જાય છે તેમ દરેક પક્ષ લોકોને રિઝવવામાં કોઇ કસર છોડવા નથી માગતો. એવામાં આપ પાર્ટીને સમર્થન પણ વધી રહ્યું છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને પ. બંગાળના તૃણમુલ કૉંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીએ પણ આપ પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે.

એમ જાણવા મળ્યું છે કે સમાજવાદી પાર્ટી તેના કેટલાક સાંસદો અથવા નેતાઓને આપ માટે પ્રચાર કરવા મોકલી શકે છે. TMC અને SP ઉપરાંત મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી પક્ષો ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP (SP) એ પણ આપને ટેકો આપ્યો છે. તેઓ બધા માને છે કે કેજરીવાલની આપ પાર્ટી કોંગ્રેસ કરતાં દિલ્હીમાં ભાજપને હરાવવા માટે ઘણી સારી સ્થિતિમાં હોય તેવું લાગે છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ દિલ્હીમાં AAP માટે પ્રચાર કરવા માટે સાંસદ અને અભિનેતા શત્રુધ્ન સિંહાને ઉતારવાનો નિર્ણય લીધો છે. તૃણમુલ કૉંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીના રોજ નિર્ધારીત વિધાનસભાની ચૂંટણી માટે આસનસોલથી ટીએમસીના સાંસદ શત્રુધ્ન સિંહા પ્રચાર કરશે. શત્રુધ્ન સિંહા પહેલી અને બીજી ફેબ્રુઆરીના રોજ ત્રણ મતવિસ્તારોમાં AAP માટે પ્રચાર કરશે.
TMCના સાંસદ શત્રુધ્ન સિંહા જે ત્રણ મતવિસ્તારોમાં પ્રચાર કરશે તેમાં અરવિંદ કેજરીવાલની નવી દિલ્હીની બેઠક, મુખ્ય પ્રધાન આતિશીની કાલકાજી બેઠક અને મનીષ સિસોદિયાની જંગપુરા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-
 
								 
			 
		 
		 
		 
		 
		 
		 
		 
		