ગત તા. 9 જૂલાઇ 2025ના રોજ મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં કૂલ 22 નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે આ ગોઝારી ઘટનામાં સૌથી વધુ ચર્ચામાં રહેતી શિવમ રોડલાઇન્સની ટેન્કર તેના મુળ માલિકને 28માં દિવસે પરત મળી હતી. જોકે એક મહિના સુધી ટેન્કરના પૈડા થંભી રહ્યાં પરંતુ બેન્કની હપ્તા તો ચાલું જ રહ્યાં હતા. ત્યારે આણંદના સાંસદ મિતેષ પટેલે પોતાના પગરમાંથી ટેન્કર માલિકને એક હપ્તાની રકમ ચુંકવવાનું વચન પુરુ પળ્યું હતું.
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અમદાવાદથી દહેજ પરત જતી શિવમ રોડલાઇન્સની ટેન્કર બ્રિજ પર લટકી ગઇ હતી. ટેન્કર ખાલી હોવાના કારણે અને ડ્રાઇવરે હેન્ડ બ્રેક ખેંચી લીધી હતી. જેથી 27 દિવસ સુધી આ ટેન્કર લટકી રહીં અને શિવમ રોડલાઇન્સના માલિક આણંદ અને પાદરા વચ્ચે ધક્કા ખાઇ આખરે કંટાળી ગયા હતા. તેવામાં આ ટેન્કર અંગે મીડિયામાં સતત સમાચાર પ્રસિદ્ધ થતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કલેકટર પ્રવિણ ચૌધરીને ટેન્કર બહાર કાઢવાની જવાબદાર સોંપી હતી.
નોંધનીય છે કે, ટેન્કર પર આશરે 30 લાખની લોન છે અને દર મહિના 80 હજારનો હપ્તો છે. જોકે 27 દિવસ સુધી ટેન્કરના પૈડા થંભી જતા બેન્કના હપ્તા ક્યાંથી ભરવા તે શિવમ રોડલાઇન્સ માટે સૌથી મોટો ચિંતાનો વિષ્ય હતો. બીજી તરફ ટેન્કર જો સ્ક્રેપ થાય તો ઇન્સ્યુરન્સ કંપની 30 લાખ જેટલી રકમ ચુંકવતી અને નવી ટેન્કર 50 લાખની આસપાસ પડતી, ત્યારે શિવમ રોડલાઇન્સે ઉપરની રકમ ઉમેરવાનો વારો આવતો.
પરંતુ પોરબંદરની વિશ્વકર્મા કંપનીની મરીન સાલ્વેજીંગના એક્સપર્ટો દ્વારા ટેન્કરને સલામત રીતે બલુન ટેકનોલોજીથી બહાર કાઢી લીધી હતી. તેવામાં આણંદના સાંસદ મિતેષ પટેલે શિવમ રોડલાઇન્સને એક મહિનાનો હપતો પોતાના પગરમાંથી આપવાનું વચન આપ્યું હતુ. આજરોજ તેઓ દિલ્હીથી પરત આવતા તેમણે શિવમ રોડલાઇન્સના માલિક રમાશંકર પાલને બોલાવી રૂ. 80,000નો ચેક આપી પોતે આપેલું વચન પુરૂ પાળ્યું હતું.