Thursday, Dec 25, 2025

સુરતમાં માતાએ પુત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, માસૂમનું મોત

2 Min Read

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આવાસમાં એક અત્યંત ચકચારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના પાંચ વર્ષના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી નીચે ઝંપ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડિંગની ઊંચાઈને કારણે બાળકને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું કે, આજે સવારે અંદાજે 10:30 વાગ્યે ભટાર ચોકી વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં આશરે 30 વર્ષની મહિલાએ પોતાના બાળક સાથે 14મા માળેથી ઝંપ લગાવ્યો હોવાની માહિતી મળી હતી. આ ઘટનામાં બાળકનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે મહિલાની હાલત ક્રિટિકલ છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા આ આવાસની રહેવાસી નથી. આવાસમાં રહેતા લોકોએ પણ મહિલાને ઓળખી ન હોવાનું જણાવ્યું છે. બાળકની ઉંમર આશરે પાંચ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મહિલા કોણ છે, ક્યાંથી આવી અને આ બનાવ પાછળ શું કારણ હોઈ શકે તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ તો પ્રાથમિક રીતે આ બનાવ આત્મહત્યાનો પ્રયાસ હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સાધનોના આધારે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Share This Article