નવસારી શહેરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 28 વર્ષીય મહિલા બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગઈ હતી. એ બાદ તેણે પોતાની બે નાની દીકરી સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો છે, જે ત્રણેયના મૃતદેહ મળ્યા છે. માતા તેની બન્ને પુત્રીઓ સાથે બહાર જઈ રહી હોવાનું એક CCTVમાં જોવા મળ્યું છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બંને બાળકીના મૃતદેહ અલગ-અલગ સ્થળેથી મળ્યા સમગ્ર ઘટનાને વિગતવાર જોઈએ તો મહિલા ખેવના હાર્દિક નાયક અને તેની બે દીકરી 4 વર્ષીય ધિયા નાયક અને અઢી વર્ષીય દ્વિજા નાયક 31મી ઓગસ્ટથી ઘરેથી ગાયબ હતાં. ગઈકાલે બંને બાળકીના મૃતદેહ અલગ-અલગ સ્થળેથી મળ્યા હતા. એક બાળકીનો મૃતદેહ વિરાવળથી અને બીજીનો જલાલપોરમાં આવેલા સંતોષી માતાના મંદિર પાસેના ઓવારેથી મળ્યો હતો.
આજે કરાડી પાસેથી માતાનો મૃતદેહ મળ્યો
આજે માતા ખેવનાનો પણ મૃતદેહ કરાડી ગામ પાસેથી વહેતી પૂર્ણા નદીમાંથી મળ્યો છે. આ સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર નવસારી શહેરમાં ચકચાર મચાવી દીધી છે.
પોલીસે આપઘાત પાછળનાં કારણોની તપાસ હાથ ધરી ગ્રામ્ય અને જલાલપોર પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. પોલીસ આપઘાત પાછળનાં કારણોની તપાસ કરી રહી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે.