સર્વોપરીધામ શ્રીસ્વામિનારાયણ મંદિર, વરિયાવ – સુરત ખાતે 14000 થી વધુ હરિભક્તોએ દિવ્ય શાકોત્સવ પ્રસાદનો લાભ લીધો..સુરતના વરિયાવ વિસ્તાર સ્થિત વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરીધામ ખાતે સત્સંગ સભા તથા ભવ્ય શાકોત્સવનું આયોજન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 14000 ઉપરાંત હરિભક્તોએ શાકોત્સવના પ્રસાદનો લાભ લીધો હતો. જેમાં 2400 કિલો રીંગણા, 1800 કિલો બાજરાના લોટના રોટલા, 105 કિલો ચોખ્ખું ધી 400 કિલો તેલ સહિતની સામગ્રીથી પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાને ૨૦૦ વર્ષ પહેલા લોયાધામમાં સુરાખાચરનાં દરબારમાં ભક્તોને સુખ આપવા પોતે શાક બનાવીને દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી એ પરંપરાને અનુસરીને શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરીધામ વરિયાવ સ્થિત મંદિરમાં પૂજ્ય શ્રીઅલૌકિકદાસજી સ્વામીની પ્રેરણાથી ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
સર્વોપરીધામ શ્રીસ્વામિનારાયણ મંદિરમાં સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ શાક તેમજ રોટલા બનાવવાની સેવા આપી હતી.સર્વોપરિધામ મંદિરનાં પટાંગણમાં ભવ્ય શાકોત્સવની સાથે સાથે સત્સંગ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂ. શ્રી અભ્યાસસ્વરૂપદાસજી સ્વામીએ કથા – વાર્તાનો લાભ આપ્યો હતો તેમ જ આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોજનોને પૂજ્ય શ્રીઅલૌકિકદાજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા જેમાં પૂજ્ય સંતોએ હાલના સમયમાં પરિવારના તમામ સભ્યોને સત્સંગ તેમજ સંસ્કારયુક્ત જીવન રાખવા ઉપર અદ્ભુત માર્ગદર્શન આપ્યું હતું સાથે મહિમા યુક્ત જીવન અને ભગવાનની આજ્ઞા – ઉપાસના પરાયણ જીવન બનાવી આત્મકલ્યાણ કરવા વિશે પણ સત્સંગ લાભ આપ્યો હતો. તેમજ પૂજ્ય સંતોએ રીંગણાનું શાક તથા રોટલા શ્રી સ્વામિનારાયણ ભગવાનને થાળ ધરાવી તમામ સામગ્રી ભગવાનની પ્રસાદીભૂત બનાવીને હરિભક્તોને જમાડ્યા હતાં.
આ શાકોત્સવમાં ચાડા ગામ નિવાસી શ્રી દિનેશભાઈ તેજાણીએ મુખ્ય યજમાન પદનો લાભ લીધો હતો તેમ જ અન્ય ભક્તોએ પણ આર્થિક સહયોગ આપ્યો હતો તથા શ્રીલક્ષ્મીનારાયણ કેટરર્સના વલ્લભભગતે સંપૂર્ણપણે 2400 કિલોનું શાક ફ્રીમાં બનાવી આપવાની સેવાનો લાભ લીધો હતો. શાકોત્સવમાં પધારેલા તમામ હરિભક્તોએ સત્સંગ લાભ તેમજ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.