Morbi Bridge Collapse : ગુજરાત હાઈકોર્ટે આ ત્રણને આપ્યા જામીન, શું જયસુખ પટેલ માટે રસ્તો ખૂલ્યો ?

Share this story

Morbi Bridge Collapse

  • gujarat highcourt : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલમાં જ રહેશે, ન મળ્યાં જામીન, ૩ આરોપી મુક્ત.

ગયા વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં થયેલા મોરબી બ્રિજ અકસ્માતમાં (Morbi Bridge Accident) ગુજરાત હાઈકોર્ટે પ્રથમ જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ સુરક્ષા ગાર્ડને જામીન આપ્યા છે. આ તમામ લોકો શરૂઆતથી જ મોરબી જેલમાં બંધ હતા.

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે મોરબી શહેરમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં તૈનાત ત્રણ સુરક્ષાકર્મીઓની જામીન અરજી મંજૂર કરી હતી. ગત વર્ષે ૩૦ ઓક્ટોબરે મોરબીમાં બ્રિટિશ કાળનો બ્રિજ ધરાશાયી થતાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને ૫૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ન્યાયાધીશ સમીર દવેએ અરજદારોને રાહત આપતાં તેમના વકીલની રજુઆતોની નોંધ લીધી કે સુરક્ષા રક્ષકો માત્ર તેમનું કામ કરી રહ્યા છે અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નથી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. આ બ્રિજની કામગીરી અને સમારકામની જવાબદારી ઓરેવા ગ્રુપની હતી.

‘માલિકોની જવાબદારી હતી’ :

ટૂંકી સુનાવણી બાદ હાઈકોર્ટે અલ્પેશ ગોહિલ (૨૫), દિલીપ ગોહિલ (૩૩) અને મુકેશ ચૌહાણ (૨૬)ની જામીન અરજી મંજૂર કરી હતી. ત્રણેય દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુંકી વજુ ગામના રહેવાસી છે. આ કેસમાં પોલીસે ધરપકડ કરેલા ૧૦ આરોપીઓમાં તેઓનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓના વકીલ એકાંત આહુજાએ જણાવ્યું હતું કે તેમના અરજકર્તાઓ ખરેખર ઓરેવા ગ્રૂપ દ્વારા મજૂર તરીકે રાખવામાં આવ્યા હતા.

પરંતુ ઘટનાના દિવસે તેઓની સાપ્તાહિક રજા હોવાથી પુલ પર સુરક્ષા ગાર્ડ તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ મિતેશ અમીને જામીન અરજીનો વિરોધ કર્યો ન હતો અને કહ્યું હતું કે મૂળ જવાબદારી ઓરેવા ગ્રૂપના માલિકો અને (બ્રિજ પર) બાંધકામ કરી રહેલા વ્યક્તિઓની છે.

જયસુખ પટેલ જેલમાં છે :

ગુજરાત હાઈકોર્ટે મોરબી બ્રિજ ધરાશાયી થયા બાદ ધરપકડ કરાયેલા ત્રણ સિક્યુરિટી ગાર્ડના જામીન મંજૂર કર્યા હોવા છતાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને હજુ સુધી કોઈ રાહત મળી નથી. મોરબી સબ જેલમાં બંધ જયસુખ પટેલે આ વર્ષે ૩૧મી જાન્યુઆરીએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. હાઈકોર્ટના નિર્દેશ બાદ ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરની રકમ જમા કરાવી છે.

જૂથ વતી પીડિતોને વળતર માટે રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં ૧૪.૬૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે ઓથોરિટીને વેરિફિકેશન બાદ પીડિતોને વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ એક મોટી કાર્યવાહીમાં ગુજરાત સરકારે મોરબી નગરપાલિકાનું વિસર્જન કર્યું છે.

આ પણ વાંચો :-