ચોમાસું / ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી, જાણો કયા-કયા વિસ્તારોને ધમરોળશે ?

Share this story

Light to heavy rain forecast

  • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ વરસશે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં (Gujarat) હવે ચોમાસાએ એન્ટ્રી મારી દેતા મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં પધરામણી (Patramani) કરી દીધી છે. ત્યારે છેલ્લાં 3-4 દિવસથી રાજ્યના કેટલાંક વિસ્તારો અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે માઝા મૂકી છે. ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ગુજરાતમાં સતત 5 દિવસ વરસાદ વરસશે. જેમાં આજ રોજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ વરસશે.

છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો :

બીજી બાજુ તમને જણાવી દઇએ કે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મહેમદાવાદમાં 3 ઈંચ, માણાવદરમાં પોણઆ 3 ઈંચ વરસાદ, તલાલામાં સવા 2 ઈંચ, સાવરકુંડલામાં 1.5 ઈંચ વરસાદ, ઉમરાળામાં 1.5 ઈંચ, ઉનામાં 1.5 ઈંચ વરસાદ, ચાણસ્મામાં 1.5 ઈંચ, ખેડામાં સવા ઈંચ વરસાદ, વડગામમાં 1 ઈંચ, વંથલીમાં 1 ઈંચ વરસાદ તો કાલાવડમાં 1 ઈંચ અને વેરાવળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન :

વધુમાં જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં વરસાદ વરસશે. સાથે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ચોમાસાની ઋતુમાં જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ, દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હતો. રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે જાફરાબાદ, શિયાળ બેટ, રાજુલા પીપવાવ પોર્ટ, તિથલ તથા દ્વારકા સહિતના શહેરોમાં દરિયો ગાંડોતૂર બન્યો હતો. વલસાડ જિલ્લાના 70 કિ.મીના દરિયામાં મોટી ભરતી આવતા દરિયામાં 10 ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા. આ ઉપરાંત વલસાડના દરિયામાં આવેલી ભરતીને પગલે માછીમારોની ઘરવખરી પણ તણાઇ હોવાનું સામે આવ્યું હતું.