Friday, Oct 24, 2025

શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન ૨૦૨૪ની પરીક્ષા કરી રદ, જાણો આ છે કારણ

3 Min Read

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બુધવારના રોજ OMR (પેન અને પેપર) મોડમાં UGC-NET જૂન ૨૦૨૪ની પરીક્ષા દેશના વિવિધ શહેરોમાં બે પાળીમાં હાથ ધરી હતી. ૧૯મી જૂન, ૨૦૨૪ના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને પરીક્ષા અંગે ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (૧૪C) ના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ તરફથી ચોક્કસ ઇનપુટ્સ પ્રાપ્ત થયા. આ ઇનપુટ્સ પ્રાથમિક દ્રષ્ટિએ સૂચવે છે કે ઉપરોક્ત પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા હોઈ શકે છે.

UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ, ગેરરીતિની આશંકાને પગલે સરકારે લીધો નિર્ણય 1 - image

NEET(UG) પરીક્ષા-૨૦૨૪ સંબંધિત બાબતમાં, ગ્રેસ માર્કસ સંબંધિત મુદ્દાને પહેલાથી જ સંપૂર્ણ રીતે સંબોધવામાં આવ્યો છે. પટનામાં પરીક્ષાના સંચાલનમાં કથિત કેટલીક ગેરરીતિઓના સંદર્ભમાં, બિહાર પોલીસના આર્થિક ગુના એકમ પાસેથી વિગતવાર અહેવાલ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટ મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે.

શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘નવેસરથી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને તેની માહિતી અલગથી અપાશે. સરકાર પરીક્ષાની અખંડિતતાની ખાતરી કરવા માટે અને વિદ્યાર્થીઓના હિતની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે.’ ઉલ્લેખનીય છે કે, દેશભરના ૩૧૭ શહેરોમાં, ૧૨૦૫ પરીક્ષા કેન્દ્ર પર યુજીસી નેટ પરીક્ષા જૂન-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧,૨૧,૨૨૫ ઉમેદવારોએ ભાગ લીધો હતો. UGC-NET જૂન-૨૦૨૪ની પરીક્ષા ૧૮ જૂને બે શિફ્ટમાં લેવાઈ હતી. પ્રથમ શિફ્ટનો સમય સવારે ૯.૩૦ કલાકથી બપોરે ૧૨.૩૦ કલાક અને બીજી શિફ્ટનો સમય બપોરે ૩.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસે પહેલા જ NEETની પરીક્ષાનો મુદ્દો ચગ્યો હતો અને આ પરીક્ષાનું આયોજન પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા કરાયું હતું, ત્યારે હવે NTAની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા-૨૦૨૪ના પરિણામો મુદ્દે પહેલીવાર એવા નિર્ણયો લીધા છે, જેના કારણે પરીક્ષામાં અનિયમિતતા મુદ્દે સવાલો ઉઠ્યા છે. નીટની પરીક્ષાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જેમાં NEET ના પરિણામ જાહેર થયા પછી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગ્રેસ માર્કસ મેળવનારા ૧૫૬૩ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બંધ નહીં કરીએ. તેના માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને ૨ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણી ૮મી જુલાઈએ થશે.

આ પણ વાંચો :-

Share This Article