Saturday, Oct 25, 2025

હવામાન વિભાગનો રેઈન અલર્ટ: આગામી 24 કલાકમાં 6 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

2 Min Read

ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે, અને ચોમાસું સંપૂર્ણપણે સક્રિય બન્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે, જેમાં ડાંગ જિલ્લાના આહવામાં 9.8 ઇંચ, કપરાડામાં 9.5 ઇંચ, વઘઈમાં 7.7 ઇંચ અને સુબીરમાં 7.6 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે, હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુરુવારે (19 જૂન) દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આશંકા છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

આ સિવાય, ગુજરાતના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માર્ગો બંધ અને ડેમની સ્થિતિ
ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે વરસેલા ભારે વરસાદને કારણે રાજ્યના 134 માર્ગો બંધ થયા છે. જેમાં 10 સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતાં કે અન્ય કોઈ કારણોસર વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. જ્યારે 28 અન્ય માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. પંચાયત હસ્તકના કુલ 95 માર્ગો પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો 1 નેશનલ હાઈવે પણ ભારે વરસાદને કારણે બંધ કરાયો છે, જે દર્શાવે છે કે વરસાદની અસર કેટલી વ્યાપક છે.

Share This Article