સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી છે. માર્કેટના સાતમા માળે આગ લાગવાની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, બુધવારે (10 ડિસેમ્બર) સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટના 7માં અને 8માં માળે આગ લાગી છે. આગની જાણકારી થતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ઘટનાસ્થળે 25થી વધુ ફાયરની ગાડીઓ હાજર છે અને બે કલાકથી વધુના સમયથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ફાયર અધિકારી ઇશ્વર પટેલના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ વાયરિંગનો કોઈ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ચોક્કસ માહિતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ થશે. હાલ 25 જેટલી ફાયરની ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સદ્ભાગ્યે હજું સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
માર્કેટમાં કાપડનો જથ્થો અને તેમાં પણ મોટા ભાગનો સિન્થેટિક કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુને વધુ વિકરાળ બની રહી છે. સિન્થેટિક કાપડના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત કરવી પડી રહી છે.
ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો આગને અન્ય દુકાનો અને માળખામાં ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે