દાહોદ જિલ્લાના ભાટીવાડા વિસ્તારમાં બનતા 70 મેગાવોટના વિશાળ સોલર પ્લાન્ટમાં ભીષણ આગ. આ સોલર પ્લાન્ટ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત તૈયાર થતો પ્રોજેક્ટ હતો. આગ લાગી એ પછી પળવારમાં જ સમગ્ર પ્લાન્ટ અગ્નિકીરસમાં ઘેરાઈ ગયો અને અંદાજે 400 કરોડથી વધુના સાધનો બળીને ખાખ થઈ ગયા.
આગ એટલી ઝડપથી ફેલાઈ કે સોલર પેનલ, ટ્રાંસફોર્મર, ઈલેક્ટ્રિકલ કેબલ્સ સહિતની તમામ મહત્વની મશીનરી ક્ષણોમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ. NTPCના અધિકારીઓને આગ લાગવાની જાણ થતા તરતજ તેઓ સ્થળ પર પહોંચ્યા, પરંતુ આગના તીવ્રતા સામે તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પવનના કારણે આગ વધુ વિકરાળ બની હતી, જેના કારણે હજી સુધી આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવવામાં આવ્યો નથી.
દાહોદ સહિત આસપાસના જિલ્લામાંથી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આગ ઓલવવાનું સતત પ્રયાસ ચાલી રહ્યું છે, પરંતુ પ્લાન્ટમાં રહેલી સામગ્રી ફરીથી તણખા કાઢી રહી છે, જેના કારણે ફરીથી આગ ભડકી ઉઠે છે. હવે સુધી પ્લાન્ટના લગભગ 95% સાધનો બળીને ખતમ થઈ ચૂક્યા છે. કેટલીક જગ્યાએથી વધુ ફાયર ટેન્ડરો મંગાવાયા છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની સાથે મહત્વકાંક્ષી સરકારી યોજનાઓ પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
ડીએસપી ડૉ. રાજદીપ સિંહ ઝાલા સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. NTPC એ 4 એપ્રિલથી 18 એપ્રિલ સુધી પોલીસ દળની હાજરીમાં ફેન્સીંગનું કામ હાથ ધર્યું. બે દિવસ પહેલા લોકોએ વિરોધ કર્યો ત્યારે કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ પછી, સોમવારથી કામ શરૂ કરવા માટે કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે સોમવારે કામ શરૂ થયું ત્યારે ગામનો એક વ્યક્તિ મોટરસાયકલ પર આવ્યો અને જો કામ બંધ નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરવાની ધમકી આપવા લાગ્યો. તે ગામના પાંચ-સાત લોકોને પોતાની સાથે લાવ્યો અને પથ્થરમારો શરૂ કર્યો.