Wednesday, Jan 28, 2026

સુરતના ઉધનામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં ભીષણ આગ, પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા

2 Min Read

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આજે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉધના રોડ નંબર 3 પર આવેલી ધરતી નમકીન પાસેના એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા જ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

આ દુર્ઘટનામાં ગોડાઉનમાં હાજર 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલના CMO શીતલ ખેરડીયાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ લાવવામાં આવેલા પાંચેય દર્દીઓ 30 થી 50 ટકા સુધી ગંભીર રીતે દાઝી ગયા છે. હાલમાં તમામ દર્દીઓની હાલત નાજુક ગણાવવામાં આવી રહી છે અને સિવિલના તબીબો દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

સત્તાવાર નિવેદનો
ઘટના સ્થળે પહોંચેલા ફેક્ટરી માલિક રફીક મેમને પણ અકસ્માત અંગે વિગતો આપી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ ગંભીર રીતે દાઝેલા શ્રમિકોના પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. પોલીસ અને પ્રશાસન દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article