આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટલાપલેમ ગામમાં શનિવારે ફટાકડા બનાવતી યુનિટમાં વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ સમયે યુનિટમાં લગભગ 20 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા.
રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનિતાએ આશંકા વ્યક્ત કરી કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સંબંધિત મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું છે. વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે.