ગુજરાત પ્રેસ અકાદમી, પ્રાદેશિક માહિતી કચેરી-સુરત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘ન્યૂઝ અને ફેક ન્યૂઝ’ પરિસંવાદ તેમજ ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
VNSGUના અંગ્રેજી વિભાગના સભાગૃહમાં આયોજિત સમારોહમાં VNSGUના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સર્જકો સાથેનો આ સંવાદ જ્ઞાનવર્ધનનું માધ્યમ બનશે એમ જણાવ્યું હતું.
ન્યૂઝ અને ફેક ન્યૂઝ વિષે ઊંડાણપૂર્વક સમજ આપતા સંદેશ દૈનિક-સુરતના નિવાસી તંત્રીશ્રી શ્રી કૃષ્ણકાંત ઉનડકટે જણાવ્યું કે, જ્યારે સોશિયલ મીડિયાનું અસ્તિત્વ ન હતું ત્યારે પણ ફેક ન્યૂઝનું પ્રચલન હતું. પરંતુ એ સમયે ટ્વીસ્ટેડ ફેક ન્યૂઝનો જમાનો હતો. જ્યારે હાલ સોશિયલ મીડિયાના યુગમાં વ્યક્તિઓ ફેક ન્યૂઝને રિયલ ન્યૂઝ માની લઈ જાણ્યે અજાણ્યે પણ ફેક ન્યૂઝ સર્ક્યુલેશનનો હિસ્સો બને છે. એટલે જ કોઈપણ ન્યૂઝ અથવા સોશિયલ મીડિયા પોસ્ટમાં આપેલી કન્ટેન્ટની સત્યતાની ચકાસણી કરવાની ટેવ કેળવવી જોઈએ.
તેમણે આજના સાયબર ક્રાઈમ અને ફેક ન્યૂઝ એ વર્તમાન સોશિયલ મીડિયાની સૌથી મોટી સમસ્યાઓ છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, ફેક ન્યૂઝની ભરમારને કારણે તથ્ય જાણવા માટે અખબારોની વિશ્વસનીયતા વધતી જાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં અખબારોનું સર્ક્યુલેશન પ્રમાણમાં જરૂર ઘટ્યું છે, પરંતુ અખબારો ડિજીટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થવાના કારણે બહોળા પ્રમાણમાં વંચાય પણ છે.
પત્રકારત્વમાં, ભાષા-શબ્દોમાં સત્ય, સત્વ અને તત્વ ખૂબ અગત્યના છે. પત્રકારત્વનું મૂળ ધ્યેય છે સત્યને શોધવું અને રજૂ કરવું, ભ્રમ કે અફવાઓથી દૂર રહીને, તથ્ય આધારિત માહિતી લોકો સુધી પહોંચાડવી. પત્રકારત્વ માત્ર વ્યવસાય નહીં, પણ સમાજને સાચું અને સારૂ પીરસવાની જવાબદારી પણ છે એમ શ્રી ઉનડકટે ઉમેર્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો અને જર્નાલિઝમ-માસ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ સાથે ગુજરાત ગાર્ડિયનના તંત્રીશ્રી મનોજ મિસ્ત્રી અને લેખિકા અને કવયિત્રી શ્રી એષા દાદાવાળાએ ‘સર્જક સાથે સંવાદ’ અંતર્ગત સંવાદ કર્યો હતો.
મનોજ મિસ્ત્રીએ સાહિત્ય અને પત્રકારત્વને એકબીજાના પૂરક ગણાવતા કહ્યું કે, સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે ગાઢ સંબંધ છે. બંનેનો મુખ્ય હેતુ સમાજ સાથે સંવાદ સ્થાપિત કરવાનો અને વાસ્તવિકતાને રજૂ કરવાનો છે. સાહિત્યમાં વિચારોને કલ્પના અને કલાત્મકતાના માધ્યમથી રજૂ કરાય છે, જ્યારે પત્રકારત્વમાં સત્યને સીધા અને તથ્યપૂર્ણ સ્વરૂપમાં રજૂ કરાય છે. સાહિત્યનો ઉદ્દેશ કલાત્મક અને ભાવનાત્મક રજૂઆત છે, જ્યારે પત્રકારત્વનો ઉદ્દેશ માહિતી અને તથ્યોની રજૂઆત છે. પત્રકારત્વ થકી ભાષા, શૈલી અને વર્ણનાત્મક રજૂઆતમાં કાબેલ પત્રકાર સાહિત્યસર્જન પણ કરતો થયો છે. આમ, બંને એકબીજાના અવિભાજ્ય અંગ છે.
મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, મીડિયા ક્ષેત્રે પદાર્પણ કરનાર નવી પેઢીના નવા વિચારો, નવી દુનિયા, નવા સાધનોથી પત્રકારત્વનું માધ્યમ બદલાયું છે. આ નવી પેઢીએ જૂની પેઢીના અનુભવમાંથી શીખ લઈને પ્રેરણા મેળવવી પડશે એમ જણાવી વિચારોમાં ઊંડાણની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. અનુભવીઓને રોલમોડેલ બનાવી, સમન્વયકારી વલણ અપનાવી પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે. તો જ જનરેશન ગેપ ઘટશે. નવી પેઢીના નવા વિચારો, નવી દુનિયા, નવા સાધનોથી પત્રકારત્વ માધ્યમ બદલાયું છે.
એષા દાદાવાળાએ જણાવ્યું કે, ઘણા પત્રકારોએ સાહિત્યિક કૃતિઓ લખી છે, અને સાહિત્યમાં પત્રકારત્વના તત્વોનો ઉપયોગ થયો છે. પત્રકારત્વ સમાજની વાસ્તવિકતાને ઉજાગર કરે છે, જે સાહિત્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે. પત્રકારત્વમાંથી મળેલી વાસ્તવિકતા અને અનુભવો તેમની સાહિત્યિક કૃતિઓમાં જીવંત બની ઊભરી આવે છે. જેનો જાતઅનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું.
નવી પેઢીએ એ.આઈ.નો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સાથે સંવેદનશીલ બની સ્વનિર્ભર પણ બનવું જોઈએ. અવિરત વાંચન, મનન અને ચિંતન કરી પોતાના વિચારોને વધુ ધારદાર કરવાનો અનુરોધ કર્યો હતો.
પ્રારંભે સ્વાગત પ્રવચન કરી ગુજરાત પ્રેસ અકાદમીના સચિવશ્રી જયેશભાઈ દવેએ સર્જકોને આવકાર્યા હતા અને કાર્યક્રમનો હેતુ અને રૂપરેખા રજૂ કરી હતી. સુરતના સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન VNSGU ના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ભરત ઠાકોરે કર્યું હતું. ડો. ભરત ઠાકોરે સર્જક સાથે સંવાદના સેશન દરમિયાન સર્જકો સાથે સંવાદનો સેતુ સાધ્યો હતો.