બંગાળ સરકાર 10 દિવસની અંદર બળાત્કારના દોષિતોને ફાંસીની સજા માટે વિધાનસભામાં બિલ રજૂ કરશે. રાજયના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે તૃણમૂલ વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ બંગાળ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને આ બિલ પસાર કરવામાં આવશે. સંશોધિત બિલ 3 સપ્ટેમ્બરે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રીની જાહેરાતના થોડા કલાકો બાદ સાંજે રાજય સચિવાલય નવાનમાં રાજય મંત્રીમંડળની બેઠક મળી હતી અને વિધાનસભાનું વિશેષ સત્ર યોજવા મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ રાજયના સંસદીય કાર્યમંત્રી શોભનદેવ ચટ્ટોપાધ્યાયે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ‘વિધાનસભાનું બે દિવસીય વિશેષ સત્ર બીજી અને ત્રીજી સપ્ટેમ્બરે બોલાવવામાં આવશે.’ આ ઉપરાંત તેમણે કહ્યું કે ‘દુષ્કર્મીઓને તાત્કાલિક ફાંસી આપવા માટે ત્રીજી સપ્ટેમ્બરે એક સંશોધિત બિલ રજૂ કરવામાં આવશે.’
બિલ પાસ થયા બાદ તે જ દિવસે તેને મંજૂરી માટે રાજભવન મોકલવામાં આવશે. એ જ દિવસે મમતા બેનરજીએ હતું કે ‘જો રાજયપાલ આ બિલને મંજૂરી આપવામાં વિલંબ કરશે તો હું રાજભવનની બહાર ધરણા પર બેસી જઈશ’ ઉલ્લેખનીય છે કે, RG કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના સામે સતત થઈ રહેલા વિરોધને જોતા મુખ્યમંત્રીએ આ સુધારેલું બિલ લાવવાની જાહેરાત કરી છે. જયારથી આ ઘટના સામે આવી છે ત્યારથી મુખ્યમંત્રી મમતા સતત દોષિતોને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો :-