પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે પાર્ટીએ ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી 54 લાખ મતદારોનાં નામ કાઢી નાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કર્યો છે. સોશિયલ મિડિયા પર “ડિજિટલ હેરફેર” અને નકલી વિડિયો સામે ચેતવણી આપતાં બેનર્જીએ દાવો કર્યો હતો કે આ કાર્યવાહી નાગરિકોને તેમના મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ હતી, જેથી ખોટા અથવા નકલી નામ ઉમેરીને લોકોનો મતાધિકાર છીનવી શકાય.
બાંકુરા જિલ્લાના બરજોરામાં એક જનસભાને સંબોધતાં મુખ્ય મંત્રી બેનર્જીએ કહ્યું હતું કે સોશિયલ મિડિયા પર આવતા દરેક વિડિયોને વિશ્વાસ ન કરો. આજકાલ AIનો યુગ છે. ભાજપે AIની મદદથી 54 લાખ મતદારોનાં નામ કાઢી નાખ્યા છે. જુઓ, ભાજપ આવું કરી રહ્યો છે. તમારા મતાધિકારને છીનવવા માટે નકલી નામ બનાવવામાં આવી રહ્યાં છે. જ્યારે તમે મતદાન કેન્દ્ર પર જશો, ત્યારે તમને ખબર પડશે કે તમે મત આપી શકતા નથી, કારણ કે તમારા નામની કોઈ બીજી વ્યક્તિ પહેલેથી જ મત આપી ચૂકી હશે. આંખો અને કાન ખુલ્લા રાખજો. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) તમારા માટે વિનાશકારી સાબિત થશે.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે બંગાળની મતદાર યાદીમાંથી 1.5 કરોડ નામ દૂર કરવાનું કાવતરું રચ્યું છે. તેમણે એ પણ કહ્યું હતું કે મતદાન કેન્દ્રોની અંદર બુથ લેવલ એજન્ટ્સ (BLA)ને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે વોટ્સએપ મારફતે સૂચનાઓ આપવામાં આવી રહી છે. જો તમારી (ચૂંટણી પંચની) પાસે હિંમત હોય તો અમને લેખિતમાં આપો. અમે ન્યાય માટે જનતા કોર્ટમાં જઈશું.
તેમણે કહ્યું હતું કે પુરુલિયાની એક વૃદ્ધ વ્યક્તિનો ગુનો શું હતો? તેમને ગઈ કાલે SIR સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. આ અપમાનથી દુઃખી થઈ તેમણે આત્મહત્યા કરી લીધી. શું તમને તેમના પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી? જો તમારા માતા-પિતાને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હોત, તો શું તમને શરમ ન આવત? થોડી શરમ કરો અને SIRને નામે બંગાળના લોકોને પરેશાન કરવાનું બંધ કરો.