Friday, Oct 3, 2025

માલેગાંવ બ્લાસ્ટ 2006: NIA કોર્ટે ચાર આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કર્યા, MCOCA હેઠળ થશે કાર્યવાહી

2 Min Read

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની મુંબઈ સ્થિત વિશેષ અદાલતે મંગળવારે (30 સપ્ટેમ્બર) વર્ષ 2006ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. ઉત્તર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં 8 સપ્ટેમ્બર 2006ના રોજ એક કબ્રસ્તાન બહાર થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 37 લોકોના મૃત્યુ થયા હતા અને 125 લોકો ઘાયલ થયા હતા.

NIA કેસોના વિશેષ ન્યાયાધીશ ચકોર બાવિસ્કરએ લોકેશ શર્મા, ધન સિંહ, મનોહર સિંહ અને રાજેન્દ્ર ચૌધરી વિરુદ્ધ મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ (MCOCA) હેઠળ આરોપ નક્કી કર્યા છે.

મધ્યપ્રદેશમાં રચાયેલું કાવતરું

વિશેષ સરકારી વકીલ પ્રકાશ શેટ્ટીએ અગાઉ આરોપીઓ વિરુદ્ધ આરોપોનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. NIA એ દાવો કર્યો છે કે: આરોપીઓએ આ કાવતરું મધ્યપ્રદેશમાં રચ્યું હતું, જ્યાં તેમને હથિયારો ચલાવવાની અને બોમ્બ બનાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી. ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓએ સાયકલ ખરીદવાથી લઈને તેમાં વિસ્ફોટક ફિટ કરવા અને વિસ્ફોટ સ્થળો સુધી પહોંચાડવા સુધીની અલગ-અલગ ભૂમિકાઓ ભજવી હતી.
ભૂતકાળમાં સામે આવેલા કથિત ખુલાસા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, વર્ષ 2007માં મક્કા મસ્જિદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નોંધાયેલા એક કેસના આરોપી સ્વામી અસીમાનંદે કથિત રીતે કહ્યું હતું કે, આરએસએસના એક પદાધિકારી સુનીલ જોશીએ તેમને જણાવ્યું હતું કે માલેગાંવમાં થયેલા બ્લાસ્ટ તેમના ‘છોકરાઓ’નું કામ છે. અસીમાનંદે કથિત રીતે એમ પણ કહ્યું હતું કે વલસાડમાં ભરત રાતેશ્વરના ઘરે એક બેઠક મળી હતી, જ્યાં બ્લાસ્ટને લઈને ચર્ચા થઈ હતી.

NIA દ્વારા કેસની તપાસ
વર્ષ 2011માં NIA એ આ કેસની તપાસ સંભાળી હતી અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. એજન્સીની ચાર્જશીટમાં સુનીલ જોશી (જેની 29 ડિસેમ્બર 2007ના રોજ કથિત હત્યા થઈ હતી), રામચંદ્ર કલસાંગરા, રમેશ અને સંદીપ ડાંગેનું નામ પણ સામેલ હતું.

Share This Article