આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સામે મોટી સફળતા મેળવતા, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સીધા જોડાયેલા એક મોટા આંતરરાષ્ટ્રીય શસ્ત્ર દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કામગીરીમાં આંતરરાજ્ય શસ્ત્ર દાણચોરી મોડ્યુલના ચાર મુખ્ય કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
ગેરકાયદેસર વિતરણ માટે બનાવાયેલ અદ્યતન વિદેશી બનાવટના શસ્ત્રોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ડીસીપી સંજીવ કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ મુજબ, પોલીસે પુષ્ટિ આપી છે કે હથિયારો ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી દેશમાં દાણચોરી કરવામાં આવ્યા હતા, જે સરહદ પાર ઘૂસણખોરીની અત્યંત આધુનિક અને ચિંતાજનક પદ્ધતિ તરફ ઈશારો કરે છે.
ચાર તસ્કરોની પોલીસે કરી ધરપકડ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કેટલાક તસ્કરો મોટી સંખ્યામાં હથિયારો લઈને દિલ્હી પહોંચવાના છે. જેને લઈને ક્રાઇમ બ્રાંચે રોહિણી વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં હથિયારો લઈને આવતા તસ્કરો ફસાઈ ગયા હતા. ક્રાઇમ બ્રાંચને આંતરરાષ્ટ્રીય હથિયારોની તસ્કરી કરતી ગેંગના ચાર લોકોની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.
ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં આધુનિક હથિયારો જપ્ત કર્યો હતા. જેમાં તુર્કિયે અને ચીનમાં બનેલા હાઈ-ટેક હથિયારોનો સમાવેશ પણ થાય છે. ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ પંજાબ અને યુપીના રહેવાસી છે.
દિલ્હી પોલીસના જણાવ્યાનુસાર, પાકિસ્તાનથી ડ્રોન દ્વારા પંજાબના રસ્તે આ હથિયારોનું કન્સાઇન્મેન્ટ મોકલવામાં આવ્યું હતું. જેને તસ્કરોની ગેંગ દિલ્હીમાં સપ્લાઈ કરવાની હતી. આ હથિયારો લોરેન્સ બિશ્નોઈ, બમબીહા, ગોગી અને હિમાંશુ ભાઉ ગેંગ સુધી પહોંચવાના હતા.