ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઐતિહાસિક પગલું ભરાયું છે. જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં ₹6,11,79,157/-ની કિંમતના નાર્કોટિક્સ પદાર્થનો નાશ કરવામાં આવ્યો.
આ કાર્યવાહી દરમિયાન ભરૂચ જિલ્લામાં આવેલા 14 પોલીસ સ્ટેશનોના 37 કેસોમાં જપ્ત કરાયેલ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. તેમાં ભરૂચ શહેર બી ડિવિઝન-3, સી ડિવિઝન-7, ભરૂચ તાલુકા-4, પાલેજ-3, નબીપુર-3, દહેજ-2, અંકલેશ્વર શહેર એ ડિવિઝન-2, બી ડિવિઝન-1, અંકલેશ્વર રૂરલ-3, પાનોલી-1, નેત્રંગ-2, વાગરા-2, વાલીયા-2 અને જંબુસરના 2 કેસોનો સમાવેશ થાય છે.કાયદેસરની પ્રક્રિયા મુજબ કમિટીના સભ્યો અને અધિકારીઓની હાજરીમાં આ ડ્રગ્સને 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાળીને નાશ કરવામાં આવ્યા. આ કામગીરી દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણા તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
સરકારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી માત્ર જથ્થો નાશ કરવાનો ઉપક્રમ નથી, પરંતુ યુવાનોને નશાની લતમાંથી બચાવવા અને ગેરકાયદેસર ડ્રગ્સના વેપારીઓને ચેતવણી આપવાનો કડક સંદેશો છે.ભરૂચ પોલીસએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને સેવન સામે શૂન્ય સહનશીલતા નીતિ અપનાવવામાં આવી છે. આગામી સમયમાં આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી થશે.