લદ્દાખના સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની આજે ધરપકડ કરાઈ હતી. તેના વિરુદ્ધ કાર્યવાહી લેહ હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કરવામાં આવી હતી. તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે કે કોઈ અન્ય વ્યવસ્થા કરવામાં આવશે તેના પર નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
વાંગચુક પર કેન્દ્રશાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો આરોપ છે. બુધવાર, 24 સપ્ટેમ્બરના રોજ લેહમાં હિંસક અથડામણો થઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા. હિંસક અથડામણો બાદ લેહમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. પોલીસ અને અર્ધલશ્કરી દળોએ કર્ફ્યુનો કડક અમલ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.
લેહ જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેહ અને કારગિલ સહિત અન્ય શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજી હતી અને હિંસાની ઘટનાઓને કાવતરું ગણાવીને વધુ સતર્કતા રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
NGOનું FCRA લાયસન્સ એક દિવસ પહેલા જ રદ કરવામાં આવ્યું
ગુરુવારે, ગૃહ મંત્રાલયે સોનમ વાંગચુકની એનજીઓ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL) ની નોંધણી રદ કરી, જે FCRA, 2010 હેઠળ વિદેશી દાન મેળવે છે.
વાંગચુકની પ્રતિક્રિયા
વાંગચુકે ગુરુવારે લદ્દાખમાં તાજેતરના હિંસક વિરોધ પ્રદર્શનો માટે ગૃહ મંત્રાલય દ્વારા તેમના પર દોષારોપણને “બલિનો બકરો” બનાવવાની રણનીતિ ગણાવતા જણાવ્યું હતું કે તેઓ કડક જાહેર સલામતી કાયદા (PSA) હેઠળ ધરપકડ માટે તૈયાર છે.