જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી જતા 5 લોકોના મોત થયા છે જ્યારે 10થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના ડોડા-બરાથ રોડ પર બની જે બાદ તાત્કાલિક રેસક્યુ ઓપરેશન શરૂ કરાયુ છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.
રેસક્યુ કામગીરી તેજ
મળતી માહિતી મુજબ મંગળવારે આ અકસ્માત બન્યો. જેમાં ડોડા-બરાથ રોડ પર પોંડા વિસ્તારની આ ઘટના છે. ટેમ્પો ટ્રાવેલર રસ્તા પરથી સરકીને સીધો ખીણમાં ખાબક્યો. આ દરમિયાન તેમાં અનેક મુસાફરો પણ બેઠેલા હતા. ઘટનાને પગલે પોલીસે સ્થાનિકોની મદદથી રેસક્યુની કામગીરી શરૂ કરી છે. જો કે મોતનો આંકડો વધી શકે છે. કારણકે કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. ઘટના સ્થળ પર રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં બનેલી ઘટના પછી તરત જ, મોહમ્મદ અશરફ (35), માંગતા વાની (51), અત્તા મોહમ્મદ (33), તાલિબ હુસૈન (35) અને રફીકા બેગમ (60) ને ડોડાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આપી માહિતી
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ અકસ્માત થયો હોવાની પુષ્ટિ કરી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર જાણ કરી છે. તેમણે જણાવ્યું કે ડોડા શહેરથી લગભગ 20 થી 25 કિમી દૂર બરાથ ગામ નજીક એક ખાનગી ટેમ્પો માર્ગ અકસ્માતની માહિતી મળતાં જ ડોડા ડીસી હરવિંદર સિંહ સાથે વાત કરી. અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ઘાયલોને તમામ શક્ય મદદ અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ડીસી વ્યક્તિગત રીતે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે અને મને નિયમિત અપડેટ આપી રહ્યા છે. જરૂર પડ્યે વધુ સહાય પૂરી પાડવામાં આવશે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.