કલકત્તામાં ટ્રેઈની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશમાં તબીબો હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા ચારેક દિવસથી આ હડતાલ ચાલુ રહી છે. ત્યારે આજે સુરત મેડિકલ કોલેજમાં આંદોલન છાવણીમાં જ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હડતાલ પર ઉતરેલા તબીબોએ નર્સિંગ સ્ટાફની બહેનો પાસે રાખડી બંધાવી હતી. દેશભરમાં કામ કરતા તમામ તબીબો અને મહિલા તબીબોની સુરક્ષાને લઈને સરકાર દ્વારા આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી
ઉપવાસ પર ઉતરેલા ડોક્ટર સન્મુખે કહ્યું કે, અમારી માંગ છે કે, દેશમાં આ પ્રકારના અત્યાચાર થાય છે. તેને તાત્કાલિક આકરામાં આકરી સજા કરવામાં આવે. પરિવારની ફરિયાદ લેવામાં પણ વિલંબ થયો હતો. ત્યારે હાલ તેમને ન્યાય મળે તે હેતુથી આ ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. અમને આંશિક સફળતા પણ મળી ગઈ છે. જોકે પૂર્ણ ન્યાય મળે અને આ પ્રકારની ઘટના ન બને તે માટે અમે આંદોલન કરી રહ્યા છીએ.
રેસીડન્ટ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું કે, જ્યાં સુધી દુષ્કર્મ-હત્યા કેસમાં મહિલા ડોકટર અને તેમના પરિવારનજનોને ન્યાય નહીં મળી અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નહિં ત્યાં સુધી હડતાળ પર રહીશું. જયારે સિવિલના કિડની બિલ્ડીંગ પાસે આજે સવારે માર્શલ આર્ટ દ્વારા મહિલા રેસીડન્ટ ડોકટરો અને પુરૃષ રેસીડન્ટ ડોકટરોને સેલ્ફ ડિફેન્સની તાલિમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિવિલ ખાતેના જુનિયર ડોકટર એસોસીયેશનના પ્રમુખ ડૉ.પ્રતિક પરમારે કહ્યુ કે, કોલકતાના બનાવ બાદ મહિલા ડોકટરો પોતાનું રક્ષણ જાતે કરી શકે અને તેઓ કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત દાખવી શકે તે માટે મહિલા રેસીડન્ટ ડોકટરો અને પુરૃષ રેસીડન્ટ ડોકટરોને સેલ્ફ ડિફેન્સની તાલિમ આપવામાં આવી હતી.
આ પણ વાંચો :-