સંસદનું શિયાળુ સત્ર આજે સમાપ્ત થઈ રહ્યું છે. આજે સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ પ્રથમ વખત પરિસરની બહાર પક્ષ અને વિપક્ષ વચ્ચે સંગ્રામ જોવા મળી રહ્યો છે. જ્યાં ભાજપના સાંસદો મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. તો, વિપક્ષના સાંસદો ચોકથી સંસદ તરફ કૂચ કરી રહ્યા છે.
એક મોટા નિર્ણયમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સંસદના ગેટ પર વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મુક્યો છે. ઓમ બિરલાએ એક દિવસ પહેલા સંસદમાં કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે થયેલી ધક્કામુક્કી બાદ આ નિર્ણય લીધો છે. એક દિવસ પહેલા સંસદના ગેટ પર પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સાંસદોએ એકબીજા સાથે ધક્કામુક્કી કરી હતી. દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
લોકસભાના સમાપન સમારોહ દરમિયાન એવી પરંપરા છે કે સમાપન ભાષણ શાસક પક્ષ અને વિપક્ષના નેતા દ્વારા આપવામાં આવે છે, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે લોકસભાની કાર્યવાહી સમાપન ભાષણ વિના અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હોય.
રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઈન્ડિ ગઠબંધનમાં સામેલ અન્ય પક્ષોના સાંસદોએ રાજ્યસભામાં ડૉ. બી.આર. આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીના વિરોધમાં વિજય ચોકથી સંસદ સુધી કૂચ શરૂ કરી હતી. તેઓ અમિત શાહનું રાજીનામું માંગી રહ્યા છે.
આ પણ વાંચો :-