Friday, Feb 6, 2026

સાણંદના નિર્માણ ગ્રીન બંગલોઝમાં દારૂની મહેફિલ પકડાઈ, 80થી વધુ લોકોની અટકાયત

2 Min Read

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ’ નામના વિકેન્ડ હોમમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કાની પાર્ટી પર પોલીસે ગત રાત્રે દરોડો પાડ્યો હતો.

યુવક-યુવતીઓની અટકાયત
બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં પોલીસે 80થી વધુ યુવક-યુવતીઓની અટકાયત કરી હતી અને મોટા પ્રમાણમાં દારૂ તથા હુક્કાનો સામાન જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વિકેન્ડ હોમમાં ‘AV’ નામની 25મી એનિવર્સરી નિમિત્તે ખાનગી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી માટે વિશેષ ફૂડ કાઉન્ટર ગોઠવવામાં આવ્યા હતા અને અંદાજે 11 ટેબલ પર કેક, હુક્કા તેમજ વિદેશી દારૂ પીરસવામાં આવી રહ્યો હતો.

પોલીસ પહોંચતા જ પાર્ટીના રંગમાં ભંગ પડ્યો
પોલીસની ટીમ સ્થળ પર પહોંચતા જ પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે કુલ 38 યુવતીઓ અને 43 યુવકોને અટકાયત કરી હતી. નોંધનીય છે કે, આ પાર્ટીમાં હાજર મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેમાં કેટલાક માલેતુજાર પરિવારના સભ્યો અને જાણીતી હસ્તીઓ પણ સામેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પોલીસે દારુની બોટલો સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો
અટકાયત બાદ તમામને સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓનું મેડિકલ પરીક્ષણ વહેલી સવારે પૂર્ણ કરી તેમને નોટિસ ફટકારીને મુક્ત કરવામાં આવી હતી, જ્યારે પુરુષોને મેડિકલ તપાસ બાદ આગળની કાર્યવાહી માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી 10થી વધુ હુક્કા, અનેક દારૂની બોટલો અને અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પાર્ટીના આયોજકો તેમજ સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.

Share This Article