દેશમાં ચાલી રહેલી નકલી દવાના કારોબારે માસુમોનો જીવ લીધો છે. જે અંગે મળતી માહિતી મુજબ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ પીધા બાદ 11 બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના છીંદવાડામાં 9 અને રાજસ્થાનના ભરતપુર અને સીકરમાં બે બાળકોના મોત થયા છે. આ અંગે રાજસ્થાનના ભરતપુરના પીડિત પરિવારનો આરોપ છે કે, નકલી કફ સિરપ પીધા બાદ બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બાળકોને શરદીની તકલીફ બાદ સરકારી આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા.
જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશના છીંદવાડાના પારસીયામાં કફ સિરપથી બાળકોના મૃત્યુની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં છીંદવાડામાં અત્યાર સુધીમાં નવ બાળકોના મોત થયા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કફ સિરપ પીધા બાદ બાળકોની કિડની ફેલ થઈ ગઈ હતી. જેની બાદ કલેક્ટરે બે કપ કફ સિરપ પર પ્રતિબંધ મૂક્યો છે.
તીર્થરાજ સાથે શું બન્યું હતું?
ભરતપુરના બે વર્ષના તીર્થરાજને ઉધરસ અને શરદી હોવાથી તેને 23 સપ્ટેમ્બરના રોજ સવારે વીરની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તેને કફ સિરપ લખી આપ્યું હતું. તીર્થરાજને બપોરે સીરપ આપવામાં આવ્યું હતું, જે પીધા પછી એ સૂઈ ગયો હતો. જ્યારે તીર્થરાજ ચાર કલાક સુધી જાગ્યો નહીં, ત્યારે પરિવાર તેને ફરીથી તે જ હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાંથી તેમને ભરતપુરની ઝેનાના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. ભરતપુરના ડોક્ટરોએ તીર્થરાજની સારવાર કરી જોઈ, પણ તેની તબિયતમાં સુધાર ન થતાં તેને 24 સપ્ટેમ્બરના રોજ જયપુરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. ત્રણ દિવસ પછી જયપુરની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. એ જ રીતે સીકરના પાંચ વર્ષના એક બાળકનું પણ મૃત્યુ થયું હતું.
ડેક્સ્ટ્રોમેથોર્ફન: દવાનો પરિચય અને ઇતિહાસ
ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ એક પ્રકારની કફ-નિયંત્રક દવા છે, જેની શોધ 1950ના દાયકામાં થઈ હતી. શરૂઆતમાં તેને કોડીન જેવી વ્યસનકારક દવાઓનો સુરક્ષિત વિકલ્પ ગણવામાં આવતો હતો. દિલ્હીના એપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલના બાળરોગ ચિકિત્સક ડૉ. સુનિલ સરીનના મતે, “આ દવા મગજમાં જઈને ઉધરસની પ્રેરણા આપતા સંકેતોને અવરોધિત કરે છે. તેનો મુખ્ય ઉપયોગ સૂકી ઉધરસમાં રાહત આપવા થાય છે, જેથી દર્દીને શાંતિ અને સારી ઊંઘ મળી શકે.” આ દવા સામાન્ય રીતે સિરપ સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે, જે બાળકો અને પુખ્ત વયના લોકો માટે સેવનમાં સરળ છે.