અમરેલી બિટકોઈન કૌભાંડ કેસમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા, અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ, પૂર્વ પીઆઇ અનંત પટેલ સહિત 14 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ કેસમાં આરોપીઓ ઉપર IPC 364(A), 342, 365, 384, 166, 120B, 506(2), 504, 323, 201, 167, 119, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 7, 13(A)(1), 13(3)(2)(1), (D)(1), 15 હેઠળ ગુનો નોંધાયો છે. સરકાર તરફે આ કેસમાં કુલ 172 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. બચાવ પક્ષે એક સાક્ષી તપાસવામાં આવ્યો હતો. વર્ષ 2018 માં આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ હતી.
આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અંતિમ દલીલો ત્રણ મહિના જેટલા સમયથી ચાલી રહી હતી. કેસમાં 72 જેટલા સાક્ષીઓ ફરી ગયા છે. ફરિયાદી શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલિયાએ સરકાર પક્ષના કેસને સમર્થન આપ્યું ન હતું. રાજેશ રૂપારેલિયાની વધારાના સાક્ષી તરીકે જુબાની લેવાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ આ કેસની તપાસ કરી રહ્યું હતુ. આમાં 172 જેટલા જેટલા સાક્ષીઓ તપાસમાં મુકવામાં આવ્યા હતા. આ અંગેની ચાર્જશીટ વર્ષ 2018માં જ ફાઈલ કરી દેવામાં આવી હતી. આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ આરોપીઓને હાજર રહેવાની નોટિસ આપી હતી. જેથી તમામ આરોપીઓ આજે કોર્ટમાં હતા. તેમની સાક્ષીમાં આ તમામ ગુનાઓ સાબિત થયા અને આ ૧૪ આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
આ કેસમાં નલિન કોટડિયાનું નામ બહાર આવ્યા તેઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. તે ફરાર હતા તે દરમિયાન CID ક્રાઈમે તેમના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ અને જાહેરનામું બહાર પાડ્યું હતું. જે બાદ. તેમને મહારાષ્ટ્રના ધુલિયા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોર્ટમાં તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. મે 2019માં ગુજરાત હાઇકોર્ટે તેમને અમુક શરતી જામીન આપ્યા હતા.
સંક્ષિપ્તમાં કેસની વિગતો
સુરતમાં બાંધકામની સાથે બિટકોઇનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઇન અંગે ફરિયાદ ન નોંધવાની ધમકી આપી હતી. જે બાદ બિલ્ડરને એક હોટલમાં બોલાવી પાંચ કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. આ પહેલા એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી.
આ મુદ્દે શૈલેષ ભટ્ટે અપહરણ કરનાર પોલીસ કર્મચારીઓ અને પૂર્વ MILA નલિન કોટડિયા સામે CID ક્રાઈમ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરાવી હતી, આ કેસ આટલા સમયથી અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની ACRની વિશેષ અદાલતમાં ચાલી રહ્યો હતો.
નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના પહેલાં શૈલેષ ભટ્ટ સામે પણ અપહરણ અને પૈસા પડાવી લેવાનો આરોપ હતો. હકીકતમાં નોટબંધી બાદ સુરતની બીટ કનેક્ટ નામની કંપનીએ લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું. જેમાં બિલ્ડર શૈલેષ ભટ્ટે પણ પોતાની કમાણીના પૈસા રોકયા હતા. પરંતુ કંપનીને તાળા વાગી જતા તેના બધા પૈસા ડૂબી ગયા હતા. જેના કારણે શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખી બીટ કનેક્ટ કંપનીના કર્મચારી અને હોદ્દેદારોનું અપહરણ કરી તેમની પાસેથી 2000થી વધુ બિટકોઇન 11000થી વધુ લાઇટ કોઇન અને કરોડો રૂપિયા પડાવી લીધા હતા.
ત્યાર બાદ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આ વાતની જાણ થતા તેમણે શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા પ્લાન ઘડ્યો અને અમેરેલીના તત્કાલીન એસપી સાથે સંડોવણી કરી શૈલેશ ભટ્ટનું અપહરણ કરાવ્યું. ત્યારબાદ શૈલેષ ભટ્ટ પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવામાં આવ્યા. આ અપહરણમાં પીઆઈ અનંત પટેલ અને તેમની ટીમ સરકારી વાહનોનો ઉપયોગ કર્યો હતો. બાદમાં આ મામલે શૈલેષ ભટ્ટે CBIના પોલીસ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ સમગ્ર કેસ સામે આવ્યો હતો.