Monday, Dec 22, 2025

કોલકાતા વિદ્યાર્થિની ગેંગરેપ મામલે સુપ્રીમમાં અરજી, CBI દ્વારા તપાસની માંગ

2 Min Read

કોલકાતામાં એલએલબીની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ સત્યમ સિંહે સોમવારે (30 જૂન, 2025) એક અરજી દાખલ કરી માગ કરી છે કે આ સમગ્ર કેસની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ દ્વારા કરવામાં આવે. આ સાથે નિર્ધારિત સમયમર્યાદામાં તપાસ પૂર્ણ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટના વકિલે અરજીમાં પીડિતાને સુરક્ષા અને વળતરની પણ માંગ કરી છે. અરજદારે તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનર્જી અને ધારાસભ્ય મદન મિત્રાના પીડિતા વિશે અપમાનજનક નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો છે.

મમતા સરકાર સામે દેખાવો કર્યા
25 જૂનના રોજ, દક્ષિણ કલકત્તા લો કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની પર બે સિનિયર વિદ્યાર્થીઓ અને એક ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા ગેંગરેપનો મામલો સામે આવતા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ ગુસ્સે ભરાઈને મમતા સરકાર સામે દેખાવો કર્યા છે. બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસે રવિવારે શહેરના ખિદ્દરપુર વિસ્તારમાં એક રેલી કાઢી હતી અને ભાજપની યુવા પાંખના સભ્યોએ હાથીબાગન વિસ્તારમાં એક રેલી કાઢી હતી અને બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની બગડતી સ્થિતિનો આરોપ લગાવ્યો હતો અને દરેક મહિલા માટે સુરક્ષાની માંગ કરી હતી.

પીડિત મહિલાઓના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી હતી
પશ્ચિમ બંગાળમાં દરેક દીકરીની સુરક્ષાની માંગણી સાથે રવિવારે ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના નેતૃત્ત્વમાં રેલી નીકળી હતી. કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) અને નાગરિક સમાજના સભ્યો દ્વારા શહેર અને તેની બહારના વિસ્તારોમાં આવી જ રેલીઓ કાઢવામાં આવી હતી. જ્યાં સુધી મમતા બેનર્જીને સત્તા પરથી દૂર કરવામાં નહીં આવે, બંગાળમાં મહિલાઓ વિરુદ્ધ આવી ઘટનાઓ ચાલુ રહેશે. ભૂતકાળમાં મુખ્યમંત્રીએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાને બદલે પીડિત મહિલાઓના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી હતી.

Share This Article