સુરત: છેલ્લા દોઢથી લઈને ત્રણ વર્ષથી વધુ સમયથી સુરત મહાપાલિકામાં અનેક મહત્વની પોસ્ટો ખાલી છે. સિટી એન્જિનિયર, ચીફ ફૂડ ઇન્સપેક્ટર, મ્યુનિસિપલ સેક્રેટરી, ટાઉન પ્લાનર, ડેપ્યુટી કમિશનર (પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ) જેવી મુખ્ય વહીવટી જગ્યા લાંબા સમયથી ખાલી હોવાને કારણે મહાપાલિકાની કામગીરી પર સીધી અસર પડી રહી છે.
મહેકમ તથા રિક્રૂટમેન્ટ વિભાગો વચ્ચે સંકલનના અભાવે ભરતી પ્રક્રિયા અટવાઈ ગઈ છે. બેઠક યોજાઈ હોવા છતાં નિર્ણય લેવાઈ શક્યો નથી. હાલ અનેક વિભાગોમાં ઇન્ચાર્જ અધિકારીઓથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે એક વ્યક્તિએ બે-ત્રણ વિભાગોની જવાબદારી સંભાળવી પડી રહી છે.આ સ્થિતિને કારણે નાગરિકોના કામો અટવાઈ રહ્યા છે અને 10 હજાર કરોડનું બજેટ ધરાવતી મહાપાલિકા વ્યવસ્થાપનના અભાવે ગેરવ્યવસ્થાની ધાર પર પહોંચી છે. આશ્ચર્યની વાત એ છે કે, ડેપ્યુટી કમિશનરથી લઈને આસિસ્ટન્ટ કમિશનર સુધીની 26 પોસ્ટોમાંથી મોટાભાગની ખાલી છે — કેટલીક જગ્યા 6 મહિનાથી લઈને 5 વર્ષથી ખાલી છે.
શિક્ષણ સમિતિની સ્થિતિ પણ સમાન છે. 360 સ્કૂલોમાં 1.85 લાખ વિદ્યાર્થીઓ અને 4500 શિક્ષકો હોવા છતાં છેલ્લા બે વર્ષથી શાસનાધિકારી તથા ઉપશાસનાધિકારીની પોસ્ટ ખાલી છે. સ્થિતિ એવી છે કે ભરતી માટે બેઠકો યોજાય છે, પરંતુ કામ થતું નથી — ઇન્ચાર્જથી ગાડું આગળ વધતું નથી.
 
								 
			 
		 
		 
		 
		 
		 
		 
		 
		