એક મહત્વપૂર્ણ ચુકાદામાં, કર્ણાટક હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે સંમતિથી બનેલા સંબંધો લગ્નમાં પરિણમતા નથી તેને બળાત્કાર તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે કાયદો હૃદયભંગને ગુનાહિત ગણતો નથી.
શું વાત હતી?
એક મહિલાએ તેના ભૂતપૂર્વ જીવનસાથી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 (બળાત્કાર) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ દંપતી આયર્લેન્ડમાં મળ્યું હતું અને લગભગ બે વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં હતું. મહિલાના અગાઉ છૂટાછેડા થયા હતા અને તેને એક બાળક પણ હતું. જ્યારે આરોપી ભારત પાછો ફર્યો અને તેની સાથે સંપર્ક તોડી નાખ્યો, ત્યારે તેણે છેતરપિંડી અને બળાત્કારનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો.
કોર્ટમાં શું થયું
આ મામલે જસ્ટિસ એમ નાગપ્રસન્ના સુનાવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં બે પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બાંધે છે, અને ત્યારબાદ જો પુરુષ મહિલા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દે તો આ કૃત્ય ગમે તેટલું ખેદજનક કેમ ન હોય, તે સંબંધને માત્ર એ જ આધાર પર IPCની કલમ 376 હેઠળ દુષ્કર્મના ગુનામાં રૂપાંતરિત ન કરી શકાય.
કોર્ટે કહ્યું કે, ‘ફરિયાદને સંપૂર્ણ રીતે વાંચવાથી ક્યારેય પણ બળજબરી, શરૂઆતથી છેતરપિંડી અથવા બળપ્રયોગનો કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો. આ ફરિયાદ બે વર્ષ સુધી ચાલેલો સાથ, લિવ-ઈન રિલેશનશિપ, શેર કરેલ ઘરેલુ જીવન અને સંમતિથી બનેલા સંબંધ વિશે વાત કરે છે. આ સંબંધ આયર્લેન્ડમાં બંધાયો હતો, તેઓ આયર્લેન્ડમાંસાથે રહ્યા અને પોતાનું જીવન શેર કર્યું. ત્યારબાદ જે બન્યું તે હિંસાનો આરોપ નથી, પરંતુ વિશ્વાસઘાતનો આરોપ છે. તેથી આ શરૂઆતથી જ ધોખાથી શારીરિક સંબંધ બાંધવાનો કેસ નથી. આ કાયદાનો એક સ્થાપિત સિદ્ધાંત છે કે ‘કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો.’
ન્યાયાધીશે કહ્યું, “ફોજદારી ન્યાય પ્રણાલી એ રાજ્ય શક્તિનું એક સાધન છે. નિષ્ફળ સંબંધોના વ્યક્તિગત વિવાદોમાં તેનો ઉપયોગ હથિયાર તરીકે કરવાની મંજૂરી આપી શકાતી નથી.” કોર્ટે એ પણ નોંધ્યું કે આખી વાર્તા આયર્લેન્ડમાં બને છે, જ્યાં તેઓ સાથે રહેતા હતા અને જીવન વિતાવતા હતા. આ કેસ હિંસાનો નથી પરંતુ વિશ્વાસઘાતનો છે, અને વિશ્વાસઘાત કાયદેસર રીતે બળાત્કાર નથી.