કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં આવેલા નર મહાદેશ્વર હિલ્સ વન્યજીવન અભયારણ્યમાં પાંચ વાઘ મૃત હાલતમાં મળી આવ્યા છે. આમાં એક માતા અને ચાર બચ્ચાનો સમાવેશ થાય છે. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ આ ચાર વાઘના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે. એવી શંકા છે કે આ પાંચ વાઘ ઝેરના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે, વન વિભાગનું કહેવું છે કે મૃત્યુનું સાચું કારણ બધી પ્રક્રિયાઓ અને પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.
મધ્યપ્રદેશ પછી કર્ણાટકમાં વાઘની સંખ્યા બીજા ક્રમે છે. અહીં વાઘની સંખ્યા 563 છે. વન્યજીવો સાથે વધતા સંઘર્ષને કારણે, ખાસ કરીને વાઘ દ્વારા પશુઓ પર હુમલો કરીને ખાઈ જવાને કારણે, ગામલોકો ઘણીવાર ઝેર અને ફાંસોનો ઉપયોગ કરીને તેમને મારવાનો પ્રયાસ કરે છે. વન વિભાગની ટીમે મૃત વાઘના નમૂના લીધા છે અને તેમને પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. વન મંત્રી ઈશ્વર ખાંડ્રેએ એકસાથે 5 વાઘના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.
વન અધિકારીઓએ જણાવ્યું હતું કે વાઘણ થોડા દિવસ પહેલા એક ગાયને મારી નાખી હતી. એવું માનવામાં આવે છે કે આ વાઘણને ઝેર આપીને મારી નાખવામાં આવી છે. તેમને થોડો ખોરાક આપવામાં આવ્યો હતો જેમાં ઝેર આપવામાં આવ્યું હોઈ શકે છે. ઝેરી ખોરાકથી વાઘણ અને તેના બચ્ચાં મરી ગયા.
વનમંત્રી ઈશ્વર ખાંડ્રેએ કહ્યું, ‘એમએમ હિલ્સમાં પાંચ વાઘના મોત થયા છે અને તે ખૂબ જ દુઃખદ છે. એક માદા વાઘણ અને તેના ચાર બચ્ચા મૃત્યુ પામ્યા. આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. મેં વન વિભાગના વડાનો સંપર્ક કર્યો છે અને આ મામલાની ગંભીર તપાસના આદેશ આપ્યા છે.’