સુરત પોલીસની કાબિલેદાદ ધીરજ, અપહૃ‍ત ચાર વર્ષનાં બાળકને હેમખેમ શોધી કાઢ્યો

Share this story
  • સ્મીમેર હોસ્પિ.માં દાખલ કરાયેલી પ્રસૂતાએ નવજાતને જન્મ આપ્યો, બીજી તરફ તેના ચાર વર્ષનાં બાળકનું કોઈ અપહરણ કરી ગયું !
  • પ્રસૂતાના પરિવારમાં આનંદ અને વેદનાનાં બેવડા માહોલ વચ્ચે પોલીસ માટે બાળકને હેમખેમ શોધી કાઢવાનું મહત્ત્વનું હતું.
  • પોલીસે બિલ્લી પગે ઘરમાં ઘૂસીને બાળકનો કબજો લઈ લેવા સાથે દંપતીની અટકાયત કરતાં આંખો પહોળી થઈ ગઈ, દંપતીને કોઈ સંતાન નહીં હોવાથી બાળકનું અપહરણ કર્યું હતું.
  • હોસ્પિ.નાં કેમેરાથી શરૂ થયેલી તપાસ એક વસાહત સુધી લઈ ગઈ, પરંતુ પોલીસ અપહરણકારને પોલીસની હાજરીનો અહેસાસ થવા દેવા નહોતી માંગતી અને પોલીસનાં આશ્ચર્ય વચ્ચે એક ઘરમાં બાળકના કંકુ પગલા કરવા સાથે પરિવારમાં નવજાતનો જન્મ થયો હોય એવો ઉત્સવ ચાલી રહ્યો હતો !

ગઈકાલે શનિવારે સુરત મનપાની સ્મીમેર હોસ્પિ.માં એક જ પરિવારમાં અત્યંત દુઃખદ અને અત્યંત આનંદની ઘટના એકસાથે બનવા પામી હતી. આ આખી ઘટનામાં ખાખીવર્દી પોલીસની કાબિલેદાદ કામગીરી રહી હતી. પોલીસની તત્કાળ અને અસરકારક કામગીરીને પગલે પ્રસૂતિ માટે દાખલ થયેલી માતાની આંખોમાં હર્ષનાં આંસુ રેલાયાં હતાં અને સમગ્ર પોલીસતંત્રને ખોળો પાથરીને આશીર્વાદ, દુઆઓ પાઠવી હતી.

સમગ્ર ઘટનાક્રમ જોતા હોસ્પિ.માં પ્રસૂતાનું દાખલ થવું સ્વભાવિક છે, પરંતુ એક તરફ નવજાત બાળકનાં આગમનની પ્રતિક્ષાનો આનંદ અને બીજી તરફ પ્રસૂતાનાં જ ચાર વર્ષનાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે ત્યારે સમગ્ર પરિવારનો જીવ તાળવે ચોંટી જાય એ સ્વાભાવિક છે.

સ્મીમેર હોસ્પિ.માં પ્રસૂતિ માટે દાખલ કરવામાં આવેલી પ્રસૂતા અને પરિવાર સાથે આવી જ આઘાતજનક ઘટના બનવા પામી હતી. કતારગામ ગજેરા સ્કૂલ નજીક જનતાનગરમાં રહેતાં શિવશંકર ચંદ્રબલી ગૌડા એમ્બ્રોઈડરીનાં કારખાનામાં કામ કરે છે. શિવશંકરની પત્ની ગોમતી સગર્ભા હોવાથી ગત તા.૨૩મીનાં રોજ પ્રસૂતિ માટે સ્મીમેર હોસ્પિ.માં દાખલ કરવામાં આવી હતી અને તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ પણ આપ્યો હતો. માતાને હો‌સ્પિ.માં દાખલ કરવામાં આવી હોવાથી તેણીનો ચાર વર્ષનો પુત્ર અર્ક પણ હોસ્પિટલમાં આવ્યો હતો. પરંતુ અર્કને હોસ્પિ.માં લઈ આવવાનું પરિવારને ભારે પડયું હતું.

એક તરફ પરિવારમાં નવા બાળકનું આગમન થયાનો આનંદ હતો. બરાબર આ જ સમયે ચાર વર્ષનો માસૂમ પુત્ર અર્ક અચાનક ગુમ થઈ ગયો હતો! પ્રસૂતિનાં પલંગ નજીક અને સગાઓની નજર સામે ઊભેલો પુત્ર અર્ક અચાનક ગુમ થઈ જવાની ઘટનાએ શિવશંકરનાં પરિવારને વિહવળ બનાવી દીધું હતું. નવજાત બાળકનાં જન્મનાં આનંદ વચ્ચે બીજો પુત્ર ગુમ થવાની ઘટનાએ પરિવારને સ્તબ્ધ બનાવી દીધો હતો. ખુશાલીને બદલે આંખોમાંથી દુઃખની ધારાઓ વહેવા માંડી હતી.

હોસ્પિ. પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. પરંતુ જાણે લાગણીશૂન્ય હોય એ રીતે પ્રશાસને પોલીસને જાણ કરીને પોતાની ફરજ પૂરી કરી દીધી હતી.

પરંતુ ખાખીવર્દીએ પ્રસૂતા માતા અને પરિવારની લાગણી સાથે પોતાની લાગણી જોડીને માસૂમ બાળકને શોધવાનાં સંનિષ્‍ઠ અને જાણે પોતાનું બાળક ખોવાયું હોય એવા પ્રયાસો હાથ ધરી ધીરજથી કામ લીધું હતું. પોલીસ સૌપ્રથમ બાળકની સલામતી માટે ચિંતિત હતી. ઘટના અંગે પો.કમિ. અજયકુમાર તોમરને વાકેફ કરવા સાથે વરાછા પોલીસ મથકનાં પો.ઈ. અલ્પેશ ગાબાણીએ તપાસનો દોર હાથ ધર્યો હતો.

વરાછા પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચનાં પો.ઈ. લ‌િલત વાગડિયા, એચ.એમ. ગઢવી, જે.એન. ઝાલા સહિત કાફલો તપાસમાં જોતરાયો હતો અને ખૂબ ગંભીરતાથી અને પોલીસ તપાસનો કોઈને પણ અણસાર આવે નહીં એ રીતે તપાસનો પ્રારંભ કર્યો હતો. હોસ્પિ.નાં સીસી કેમેરાથી શરૂઆત કરતાં એક મહિલાની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી. આ કેમેરાનાં દૃશ્યોએ જ પોલીસ તપાસ સફળ રહેવાની આશા ઉપજાવી હતી અને તેમ છતાં પોલીસને એક વાતનો ડર હતો કે પોલીસ તપાસ વિલંબમાં પડશે તો બાળક સાથે કોઈક અજુગતી ઘટના બની શકે અને આ ડરનાં કારણે જ પોલીસે પોતાની જાત (વર્દી)ને છુપાવી લીધી હતી.

સ્મીમેર હોસ્પિ.નાં કેમેરાથી શરૂ થયેલી તપાસ આગળ વધતા વધતા પુંણાગામ વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટી સુધી દોરી ગઈ હતી. અહીંયા આવીને પોલીસ અટકી ગઈ હતી. કારણ કે હવે જ ધીરજથી કામ લેવાનું હતું. પોલીસને એક વાતની ખાતરી થઈ ગઈ હતી કે, બાળક આસપાસનાં વિસ્તારમાં જ હોવો જોઈએ. પોલીસ ખૂબ જ સાવધાનીપૂર્વક અને સતત ઓળખ છુપાવીને એક એક કદમ મૂકી રહી હતી.

અલ્પેશ ગાબાણી

દરમિયાન એક ખોલી જેવા ઘરમાં ચહલપહલનો અવાજ આવી રહ્યો હતો. પરિવારમાં કોઈ ખુશાલી હોય એવું લાગી રહ્યું હતું. ઘરમાં એક બાળકનાં કંકુપગલાં થઈ રહ્યાં હતાં!! અને બાળકનો ઘરમાં પ્રવેશ કરાવીને ખુશાલી વ્યક્ત કરવામાં આવી રહી હતી.

બરાબર આ જ સમયે પોલીસે ઘરમાં પ્રવેશ કરતાં પરિવાર દંગ રહી ગયું હતું. ચહેરા ઉપરનો આનંદ ઓસરી ગયો હતો. દંપતીને ખ્યાલ આવી ગયો હતો કે, તેમનું પરાક્રમ ઉઘાડું પડી ગયું છે.

પોલીસે જરા પણ વિલંબ કર્યા વગર બાળકનો કબજો લઈ લીધો હતો અને દંપતીની અટકાયત કરતાં વિજયનગર સોસાયટીમાં ખળભળાટ મચી ગયો હતો. આ તરફ બાળક હેમખેમ કબજામાં આવી જતાં ખાખીવર્દી પોલીસ પોતાનાં અસલી રૂપમાં આવી ગઈ હતી અને બાળક સાથે લઈને હો‌સ્પિ.માં દાખલ પ્રસૂતા પાસે પહોંચી હતી અને બાળક હેમખેમ હોવાનું કહીને પ્રસૂતા માતાની આંખનાં દુઃખનાં આંસુ લૂછી હરખના આંસુ વહેડાવ્યાં હતાં.

ગુનેગારોને શોધવા પોલીસ અવનવી તરકીબો કરતી હોય છે. ઘણી વખત દિવસો સુધી ગુનેગારો હાથમાં આવતા નથી ત્યારે પોલીસનો પારો આસમાને પહોંચી જતો હોય છે. એક તરફ ઉપરી અધિકારીઓનું દબાણ, શાસકો, રાજકારણીઓ તરફથી ઊભા કરાતા સવાલોને કારણે ઘણી વખત પોલીસમાં હતાશાનું વાતાવરણ ફરી વળતું હોય છે.

વળી ખાસ કરીને માસૂમ બાળકનું અપહરણ અને માસૂમ ભુલકાઓ સાથે આઘાતજનક કૃત્યોની ઘટનાઓનાં ઉકેલમાં વિલંબ થાય ત્યારે પોલીસ વધુ બહાવરી બની જતી હોય છે. કારણ કે, ખંડણી વસૂલવા માટે માસૂમ ભુલકાઓ હાથવગું સાધન બની જાય છે અને મોટા ભાગનાં બનાવોમાં ખંડણી વસૂલવામાં વિલંબ થાય અથવા તો ગુનેગારો પોતાની ઓળખ જાહેર થવાના ભયથી બાળકોની હત્યા કરાયાનાં અનેક બનાવો બનતા રહ્યાં છે.

બાળકનું __મિલન

સ્મીમેર હોસ્પિ.માંથી અપહરણ કરાયેલા બાળકને જીવતો લઈ આવવાનું પોલીસ માટે અત્યંત મહત્ત્વનું હતું. સાથે ગુનેગારોને એવો પણ અંદાજ આવવો જોઈએ નહીં કે પોલીસનો પડછાયો તેની પાછળ દોડી રહ્યો છે અને પોલીસે બાળકને હેમખેમ મેળવવાનાં લક્ષ્ય સાથે તપાસનો દોર શરૂ કરતાં આખરે સુખદ પરિણામ મળ્યું હતું. પોલીસને પોતાની પ્રશંસા કરતાં બાળક મળી ગયાની વાતનો વધુ આનંદ હતો.

બાળકનું અપહરણ કરનાર દંપતીની પૂછપરછ કરતાં પોલીસને વધુ આંચકાજનક વિગતો જાણવા મળી હતી. સીમા શંકર ભંવરલાલ પ્રજાપતિ અને પતિ શંકર પ્રજાપતિની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનનાં પાલી જિલ્લાનાં મહુવા ગામનું વતની દંપતીનાં લગ્નનાં ૨૦ વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. પરંતુ સંતાનપ્રા‌િપ્‍ત થઈ નથી. પોતાનું સંતાન નહીં હોવાથી સંતાનસુખ મેળવવા અધીરા બનેલા આ દંપતીએ કાયદેસર બાળક દત્તક લેવાનો રસ્તો પડતો મૂકીને હોસ્પિટલમાંથી કોઈકનાં બાળકનું અપહરણ કરવાનો ખતરનાક નિર્ણય કર્યો હતો અને સ્મીમેર હોસ્પિ.માંથી બાળકનું અપહરણ કરીને સાડીનાં પાલવમાં માસૂમ બાળકને છુપાવીને સીમા પ્રજાપતિ નીકળી ગઈ હતી! પરંતુ બાળક માટે બહાવરી બનેલી સીમાને એ વાતનો ખ્યાલ રહ્યો નહોતો કે બાળકની જનેતા માતાની હાલત કેવી થશે?

ખેર, પ્રસૂતા માતાને પોતાનું બાળક મળી ગયાનો આનંદ થયો હતો. પોલીસ પણ પોતાની કામગીરીથી ખુશ હતી પરંતુ બાળકનું અપહરણ કરનાર દંપતીને બાળકનું અપહરણ કરવાનાં ગુનામાં સજા કાપવાના દિવસો આવશે.
સીમા અને શંકર પ્રજાપતિ જેવા ઘણા પરિવારો નિઃસંતાન હશે. પરંતુ કોઈકનાં બાળકનું અપહરણ કરવાથી માતા-પિતા બની શકાતું નથી એ વાત સીમા અને શંકર ભૂલી ગયાં હતાં.

IMG-20230625-WA0064

ભૂતકાળમાં પણ નિઃસંતાન મહિલાઓ દ્વારા બાળકોનાં અપહરણની ઘટનાઓ પોલીસ દફતરે નોંધાઈ હતી. પરંતુ સરવાળે એક પણ દંપતી બાળકનું અપહરણ કરીને સંતાનસુખ ભોગવી શક્યું નથી. બલ્કે જેલની સજા ભોગવવાના દિવસો આવ્યા હશે.

આ પણ વાંચો :-