સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ ત્રણ સભ્યોની ઇન-હાઉસ તપાસ સમિતિએ ન્યાયમૂર્તિ યશવંત વર્માને તેમના નિવાસસ્થાને મળી આવેલ બેહિસાબ રોકડના મામલામાં દોષિત જાહેર કર્યો છે. તપાસ રિપોર્ટ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાને સોંપવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, હવે ન્યાયમૂર્તિ વર્મા પાસે બે વિકલ્પ છે -તેઓ તાત્કાલિક રાજીનામું આપે અથવા તેમના વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવશે.
સૂત્રો અનુસાર, “રિપોર્ટમાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. નિયમિત પ્રક્રિયા પ્રમાણે મુખ્ય ન્યાયાધીશે તેમને હાજર થવા માટે બોલાવ્યા છે. પ્રથમ વિકલ્પ રૂપે રાજીનામું આપવાનો સૂચન કર્યો છે. જો તેઓ રાજીનામું નહીં આપે, તો રિપોર્ટ રાષ્ટ્રપતિને મોકલાશે અને મહાભિયોગની ભલામણ કરાશે.” ન્યાયમૂર્તિ વર્માને જવાબ આપવા માટે 9 મે (શુક્રવાર) સુધીનો સમય આપવામાં આવ્યો છે.
તપાસ સમિતિ અને રિપોર્ટ
આ સમિતિની રચના CJI સંજીવ ખન્નાએ 22 માર્ચે કરી હતી, જેમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગૂ, હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જી.એસ. સંધાવાલિયા અને કર્ણાટક હાઈકોર્ટની ન્યાયમૂર્તિ અનુ શિવરામન સામેલ હતા. સમિતિએ 25 માર્ચથી તપાસ શરૂ કરી હતી અને 4 મેના રોજ પોતાની રિપોર્ટ CJIને સોંપી હતી.
આગ અને રોકડની હકિકત
14 માર્ચની સાંજે ન્યાયમૂર્તિ વર્માના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવતી વખતે ત્યાંથી ભારે માત્રામાં જળેલી રોકડ મળી આવી હતી. ઘટના સમયે ન્યાયમૂર્તિ વર્મા અને તેમની પત્ની દિલ્હીથી બહાર, મધ્યપ્રદેશની મુસાફરી પર હતા. ઘરમાં તેમની પુત્રી અને વૃદ્ધ માતા હાજર હતાં.
આ ઘટનાને પગલે એક વીડિયો સામે આવ્યો જેમાં નોટોના બંડલ આગમાં બળતાં જોવા મળ્યાં. આ વીડિયો દિલ્હી પોલીસ કમિશનરે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપ્યો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. સાથે સાથે દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની પ્રાથમિક રિપોર્ટ અને ન્યાયમૂર્તિ વર્માનું જવાબ પણ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે.