પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય ‘લીલી પરિક્રમા’ ને ભારે વરસાદને કારણે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળી પછી સતત કમોસમી વરસાદ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે પરિક્રમાના રૂટ પર માઠી અસર જોવા મળી હતી. જેના ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો હતો.
સાધુ-સંતોની સંમતિથી લેવાયો નિર્ણય
લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠકમાં લેવામાં આવ્યો છે. દેવ-દિવાળી પછીથી લીલી પરિક્રમા’ની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ આ વખતે દિવાળી પછીથી જ કમોસમી વરસાદ પડતા આખરે પરિક્રમાને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે પરંપરા જાળવવા સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે. આ પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર સાધુ-સંતો જ જોડાશે અને સામાન્ય શ્રદ્ધાળુઓનો આ રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રાખી દેવામાં આવ્યો છે.
ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. આ વર્ષે 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે.
અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. 36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે. બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથો પડવા આઠ કિમીએ ભવનાથમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.
 
								 
			 
		 
		 
		 
		 
		 
		 
		 
		