Thursday, Oct 23, 2025

જનસંઘ- ભાજપની જુની પેઢીના કનુભાઇ જોષીની અલવિદા પરંતુ ભાજપની છાવણીમાં ઊંહકાર પણ સંભળાયો નહીં

8 Min Read
  • ગલીએ ગલીએ ફરીને ભાજપનો  પ્રચાર, પ્રસાર કરવામાં આખું જીવન ખર્ચી નાંખનાર અને આજીવન શિક્ષક કનુભાઇ જોષીની અંતિમ દિવસોમાં કેવી હાલત હતી એ કહેવાની જરૂર નથી
  • ભાજપને સત્તાના સિંહાસને પહોંચાડવામાં કનુભાઇ જોષી જેવા અનેક લોકોએ આયખુ ખપાવી દીધું હતું. પરંતુ સત્તા ઉપર ચઢી બેઠેલા લોકો પાયાના પથ્થરની સરાહના કરવામાં ધરાર નિષ્ફળ નિવડ્યા
  • કનુભાઇ જોષીના અંતિમ દિવસોમાં ગણ્યાગાંઠ્યા લોકો ખબરઅંતર પૂછતા બાકીનાઓને સિંહાસન ઉપરથી નીચે ઉતરવાનો સમય નહોતો
  • નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જુની પેઢીના લોકોને યાદ કરી કરીને મળતા હતા. વાર, તહેવારે કંઇકને કંઇક મોકલતા રહેતા હતા પરંતુ દિલ્હીમાં પગ મૂક્યો અને બધું ભુલાઇ ગયું. 
જનસંઘ બાદ ભાજપના ઉદયકાળના પાયાના પત્થર ગણાતા વધુ એક નખશીખ સજ્જન અને આજીવન શિક્ષક કનુભાઇ જોષીને સુરત મહાનગરે ગુમાવ્યા છે. ગત તા.૨૪મી મે ૨૦૨૪ના રોજ કનુભાઇ જોષીએ આ ફાની દુનિયાને અલવિદા કરી અનંતની વાટ પકડી લીધી પરંતુ ખભે ઝોલો(થેલો) નાંખીને ફરતા કનુભાઇ જોષીનો પડછાયો લાંબા સમય સુધી આ શહેરમાં દેખાયા કરશે. સ્વભાવે શાંત પરંતુ ચુસ્ત વચનબધ્ધ કનુભાઇ જોષી પહેલાં જનસંઘમાં અને ત્યારબાદ ભાજપના એક અવિભાજ્ય અંગ જેવા હતા. છતાં તેમણે ક્યારેય પણ હોદ્દો કે પદની માંગણી કરી નહોતી. સુરત માંડ સાડા ત્રણ ચાર લાખની વસ્તી ધરાવતું હશે એ જમાનામાં કનુભાઇ જોષી અને તેમના સહયોગી કે.સી.દેસાઇ વગેરેએ ઘરેઘરે ફરીને જનસંઘની આહલેક જગાવી હતી. કનુભાઇ જોષી અને કે.સી. દેસાઇ બન્ને સુરતની જાણિતી સ્કુલ ટી એન્ડ ટીવીમાં શિક્ષક હોવાના નાતે  સુરત શહેરના લગભગ પ્રત્યેક પરિવાર સાથે નાતો ધરાવતા હતા. કેન્દ્રમાં અને રાજ્યોમાં દેશભરમાં કોંગ્રેસનો દબદબો હતો એ દિવસોમાં કનુભાઇ જોષી પોતે જનસંઘી હોવાની છાતી ઠોકીને ઓળખ આપતા હતા અને પદ, હોદ્દાની લાલસા રાખ્યા વગર કનુભાઇ જોષી જેવા અનેક લોકો ભાજપને સત્તા સુધી લઇ જવામાં પાયામાં ધરબાઇ ગયા હતા અને ભાજપને વટવૃક્ષ બનાવવા માટે પોતાની જાત ખર્ચી નાંખી હતી.
જનસંઘ મટીને ભાજપ એટલે ભારતીય જનતા પાર્ટી બનેલા પક્ષના આગેવાનોને સત્તાનું સિંહાસન મળી ગયા પછી કનુભાઇ જોષી જેવા અનેક સજ્જનોની ક્યારેય પરવા કરી નથી. આજે પણ કનુભાઇ જોષી જેવા અનેક લોકો વખારમાં પડેલા ભંગારની માફક સડી રહ્યા છે અને તૈયાર સિંહાસન ઉપર ચઢી બેઠેલા લોકો નૈતિકતાને નેવે મૂકીને સત્તાના નશામાં જોહુકમી ચલાવી રહ્યા છે.
જનસંઘ-ભાજપના પ્રચાર, પ્રસાર માટે ખભે ઝોલો નાંખીને ફરતા અને લોહી, પસીનાનું યોગદાન આપનારા પાયાના પથ્થરોને કદાચ ભાજપની નવી પેઢી ઓળખતી પણ નહીં હોય. કારણ કે ભાજપના સત્તાસિંહાસન ઉપર બેઠેલા લોકોએ ભાજપ માટે પોતાની જાત ખર્ચી નાંખનારા લોકોની નવી પેઢીને ઓળખ કરાવી નથી.
ભાજપ પણ આરએસએસની અનેક શાખાઓ પૈકીની એક શાખા છે પરંતુ વર્તમાન હાલત એવી છે કે ભાજપને આરએસએસના સમર્થનની જરૂર હોય એવું લાગતું નથી. મતલબ ભાજપને જન્મ આપનારા લોકોએ હવે ભૂલી જવું પડશે કે તેઓ તેમના માઇ-બાપ હતા.
કનુભાઇ જોષીને આ વાતની ચોક્કસ બળતરા હતા ક્યારેક અચાનક શેરીમા મળી જતા કનુભાઇ જોષી પોતાની વેદના વ્યક્ત કરતા હતા, પરંતુ સાથે એક લાંબો નિસાસો નાંખીને આખી વાતને ભૂલી જવાનો પ્રયાસ કરતા હતા. આ સમયે તેમના ચહેરા ઉપર ટપકતી વેદના અને લાચારી ચોક્કસ ચાડી ખાતા હતા. કનુભાઇ જોષી, કાશીરામ રાણા, ફકીરભાઇ ચૌહાણ, ચંપકભાઇ સુખડીયા, અરવિંદ ગોદીવાળા, પ્રતાપ દેસાઇ, કિશોર વાંકાવાળા, કે.સી.દેસાઇ, નિતીન ભજીયાવાળા કનુભાઇ માવાણી, વસંત માળી, વસંત મામા, રમણભાઇ જાની, સુબોધ દેસાઇ, સુમન દેસાઇ, નટુ સોમા પટેલ, ચંપક ચૌહાણ, અશોક ઠક્કર, દિનકર પાઠક, મહેશ દેસાઇ, હર્ષદ દેસાઇ, નટુભાઇ નાતાલી, ગાવર્ધનેશ જોષી રમણીક મિસ્ત્રી, રમેશ ચૌહાણ, હસમુખ જોગાણી, વાલજી કેસરી, મહાદેવ દેસાઇ, નરેન્દ્ર ગાંધી, જેવા અનેક લોકોએ ભાજપના પ્રચાર, પ્રસાર માટે ગાંઠના ખર્ચીને યોગદાન આપ્યું હતું.
ખેર, કનુભાઇ જોષી જેવા અનેક બુઝુર્ગોનાં ભાજપ નેતાગીરીએ યાદ કરી કરીને ખબર અંતર પૂછવા જોઇએ પરંતુ આવી નૈતિકતા ક્યાંથી લાવવી?
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યાં સુધી જ્યારે જ્યારે પણ અવકાશ મળતો ત્યારે પક્ષના સિનિયર અગ્રણીઓની ફોન કરીને ખબર અંતર પૂછતા હતા અને જે તે શહેરની મુલાકાત સમયે યાદ કરીને સામે ચાલીને મળવા પણ જતા હતા. આ ઉપરાંત વાર તહેવારે ચીજવસ્તુઓ મોકલીને વડીલોને યાદ કરી લેતા હતા પરંતુ બદલાતા સમય સાથે ક્રમશઃ આ વહેવાર પણ બદલાઇ ગયો.
નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યાના થોડા દિવસો પછી ઘણા વડીલો સાથે અવારનવાર ટે‌િલફોનીક વાત કરીને પક્ષના વડીલોનો ઉત્સાહ વધારતા હતા. વડાપ્રધાન મોદીએ કરેલી પૂછપરછ દિવસો સુધી ચર્ચાનો વિષય બનતી હતો અને લોકો વચ્ચે બેસીને નરેન્દ્ર મોદીના ગુણગાન ગાતા હતા. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી આ બધું પણ ભૂલાઇ ગયું છે જાણે પક્ષનો પાયો નાંખનારા લોકો વિસરાઇ ગયા છે. દિવાળી, નૂતનવર્ષના દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલાવેલી ગીફટના બોક્ષ, ટોપલી હજુ ઘણા લોકોએ યાદગીરી રૂપે સંઘરી રાખ્યા હશે.
પૂર્ણેશ મોદી, નીતિન ભજીયાવાલા અને પક્ષના કાર્યકરો ઘરના આંગણામાં દેખાય એટલે ચોક્કસ નરેન્દ્ર મોદીએ મોકલાવેલી ગીફટનો અહેસાસ થવા માંડે. નરેન્દ્ર મોદી નજીકના ભૂતકાળમાં દર વર્ષની દિવાળી, નૂતનવર્ષે પોતાની પસંદગીના લોકોને મીઠાઇના બોક્સ સાથે ખાદીના કાપડની ભેટ અવશ્ય મોકલતા હતા. વળી લોકો પણ ખાદીના કાપડમાંથી કફની, સુરવાળ વગેરે બનાવીને આ કપડા નરેન્દ્ર મોદીએ મોકલાવ્યા હોવાનો ઢંઢેરો પીટતા હતા.
પરંતુ સમયની સાથે વ્યક્તિમાં બદલાવ આવતો ગયો. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી મટીને વડાપ્રધાન બન્યા અને જાણે પાછળનો ‘કારવાં’ ભુલાતો ગયો. દેશના વડાપ્રધાન હોવાના નાતે સમગ્ર દેશના લોકો સાથે સંવાદ કરવાનો હોય, કામકાજમાં સમય મળતો ન હોય તે માની શકાય પરંતુ પક્ષના પાયાના પથ્થરની કઇ રીતે અવગણા થઇ શકે? કનુભાઇ જોષીની વાત એક ઉદાહરણરૂપ છે પરંતુ ભાજપમાં આવા તો અનેક કનુભાઇ જોષીની મનની વાતને સાંભળનારું કે સંભાળ લેનારું કોઇ નથી.
ઘણા લોકો તો આર્થિક રીતે પાયમાલ થઇ ચૂક્યા છે. પડોશીઓના ભરોસે દિવસો પસાર કરી રહ્યા છે, આવા સમયે પોતીકા પક્ષના લોકોની પાસે અપેક્ષા હોય એ સ્વભાવિક છે. કનુભાઇ જોષી આજીવન શિક્ષક હતા તેમની આર્થિક સ્થિતિની વાત
કરવા જેવી નથી પરંતુ કેટલાક સ્વજનો તેમનો સધિયારો બનીને ઊભા રહી જતા હતા અને એટલે જ કનુભાઇ જોષી બંધ મુઠ્ઠીમાં જીવન જીવી ગયા. તેમના પાછલા દિવસોમાં નીતિન ભજીયાવાળા, ખુમાનસિંહ વાંસિયા, ભૂપેન્દ્ર ચુડાસમા જેવા વરિષ્‍ઠ લોકો અવારનવાર ખબર અંતર પૂછતા રહેતા હતા. કનુભાઇ જોષીના મૃત્યુ સમયે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની હાજરીનો લોકોએ સુખદ અનુભવ કર્યો હતો. અંતમાં એક વાત ઉલ્લેખનિય છે કે કનુભાઇ જોષીને આર્થિક રીતે મદદરૂપ થવા પક્ષના જ કેટલાક મિત્રોએ ૧૧ લાખની થેલી અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વાતની જાણ એ વખતના ભાજપના પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુને થતાં તેમણે આખો કાર્યક્રમ ભાજપના નામે કરવા અને કનુભાઇ જોષીને ૧૧ નહીં ૨૫ લાખની થેલી અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો એ વખતે સુરત શહેર ભાજપના પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદી હતા અને પૂર્ણેશ મોદીને પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુએ સુચના આપીને કનુભાઇ જોષીનું યથોચિત સન્માન કરવામાં આવ્યું હતું.
Share This Article