દિલ્હીના લાલ કિલ્લાના સંકુલમાંથી મંગળવારે લગભગ એક કરોડ રૂપિયાની કિંમતનો કળશ ચોરાયો હતો. એવું કહેવામાં આવે છે કે લાલ કિલ્લાના પરિસરમાં એક ધાર્મિક વિધિ ચાલી રહી હતી. લોકો ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા ત્યારે ચોરોએ 760 ગ્રામ સોનું અને 150 ગ્રામ હીરા, માણેક, પન્ના જડિત કળશની ચોરી કરી હતી.
પોલીસે જણાવ્યું કે લાલ કિલ્લા સંકુલની સામેના એક પાર્કમાં યોયાજેલા એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થઇ હતી. સોના અને હીરાથી જડેલા બે કળશની ચોરી કરવામાં આવી હતી. પોલીસ ઉપાયુક્ત (ઉત્તરી દિલ્હી) રાજા બંથિયાએ સ્પષ્ટતા કરી હતી કે આ ચોરી ઐતિહાસિક કિલ્લાની અંદર નહીં પણ લાલ કિલ્લા સંકુલની સામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન થઈ હતી.
જૈન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ ચોરી થઈ
પોલીસે જણાવ્યું હતું કે પાર્ક ખાતે જૈન પર્વ પંડાલ દ્વારા આયોજિત જૈન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન આ ચોરી થઈ હતી, જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. ઔપચારિક સ્વાગત દરમિયાન ભીડની વચ્ચે સ્ટેજ પરથી અનુષ્ઠાનના વાસણો ગાયબ થઈ ગયા હતા.
કરોડો રૂપિયાની કિંમતનો આ કળશ સ્થાનિક ઉદ્યોગપતિ સુધીર જૈન દ્વારા દૈનિક વિધિ માટે લાવવામાં આવ્યો હતો. સુધીર જૈનની ફરિયાદ મુજબ ચોરીની વસ્તુઓમાં આશરે 760 ગ્રામ વજનની એક મોટી સોનાની ઝારી (કળશ), સોનામાંથી બનેલું એક નાળિયેર અને હીરા, માણેક અને પન્નાથી જડિત એક નાના કળશનો સમાવેશ થાય છે.