- એક સામાન્ય કાર્યકર તરીકે ભાજપમાં જોડાયેલા સી.આર. પાટિલે ચાર દાયકામાં ભાજપને વટવૃક્ષ બનાવવા સાથે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી દીધી
- ૧૯૮૯માં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના હાથે કેસરિયો ધારણ કર્યો હતો અને કેસરિયાને વળગી રહ્યા અને પક્ષની નેતાગીરીએ માંગ્યા વગર તેમને સર્વોચ્ચ નેતૃત્વ સુધી પહોંચાડી દીધા
- અનેક ઝંઝાવાત આવ્યા અને ગયા, રાજકીય સમીકરણો બદલાયાં, પરંતુ સી.આર. પાટિલે પક્ષ અને પોતાનું લક્ષ્ય ક્યારેય પણ બદલ્યું નહીં અને ઝળહળતી સફળતા મેળવતા ગયા
- શંકરસિંહ વાઘેલા, કેશુબાપા જેવા વરિષ્ઠ આગેવાનોએ પક્ષ સામે બુંગિયો ફૂંક્યો અને ભાજપ સામે ઝંઝાવાત ઊભો કર્યો હતો ત્યારે પણ જરા પણ ડગ્યા વગર વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અડીખમ યોદ્ધા બનીને ઊભા રહ્યા હતા
- ગુજરાતની સામાજિક રાજકીય વિચારધારાના પરિવર્તન સાથે છેવાડાના અને આદિવાસી વિસ્તારોમાં ભાજપના ઝંડા લહેરાઈ રહ્યા છે, ગામડાંની પંચાયતથી તાલુકા, જિલ્લા નગરપાલિકા અને મહાનગરોમાં ભાજપના સંપૂર્ણ કબજા માટે સી.આર. પાટિલને જ યશ આપવો પડે
- કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો વિધાનસભાની ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડીને ૧૫૬ બેઠકોનો રેકોર્ડ હાંસલ કરનાર સી.આર. પાટિલને કેન્દ્રીય પાર્લામેન્ટરી બેઠકમાં વડાપ્રધાન મોદીએ પીઠ થપથપાવી યશ આપ્યો ત્યારે પ્રથમ વખત સી.આર. પાટિલની આંખો હર્ષથી ભીની થઈ હતી
વર્તમાન બદલાયેલા સામાજિક, રાજકીય માળખામાં રોજબરોજના બદલાતા જતા માપદંડ, બદલાતી જતી વ્યવસ્થા અને બદલાતા જતા માણસોની વચ્ચે વિકાસનો ગ્રાફ અને સાર્વત્રિક પકડ જાળવી રાખવાનું કામ અત્યંત કપરું અને અશક્ય હોવા છતાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલે સિદ્ધ કરી બતાવ્યું કે, આયોજનશક્તિ અને દૃઢતા હોય તો એ હાંસલ કરી શકાય છે. આજે ૨૦મી જુલાઈએ સી.આર. પાટિલે અધ્યક્ષ પદે પાંચ વર્ષ પૂરાં કર્યાં અને વીતેલા પાંચ વર્ષમાં ગુજરાતમાં ભાજપની જડ વધુ મજબૂત બનાવી છે. સી.આર. પાટિલે એક વાત પુરવાર કરી છે કે, પક્ષને એક શિસ્તબદ્ધ સંસ્થા તરીકે પણ ચલાવી શકાય છે. આજે સ્થિતિ એવી છે કે, ગુજરાતના સુકાનીના દાયરામાં સી.આર. પાટિલનો વિકલ્પ દેખાતો નથી. મતલબ ચહેરા ઘણા છે, પરંતુ પક્ષની અને સરકારની બાગડોર સંભાળીને પક્ષને મજબૂતાઈથી સત્તાસ્થાને અને પ્રજામાં લોકપ્રિયતા ટકાવી શકે એવું મજબૂત વ્યક્તિત્વ મળવું મુશ્કેલ છે. વળી બદલાતા જતા સંજોગોમાં હવે પક્ષને અને સરકારને રેઢા મૂકી શકાય એવી સ્થિતિ નથી.

લગભગ ૧૯૮૯ના વર્ષમાં ભરયુવાનીમાં સી.આર. પાટિલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈને હસ્તે ભાજપમાં પ્રવેશ મેળવ્યો ત્યારે કદાચ કોઈને પણ કલ્પના પણ નહોતી કે સી.આર. પાટિલમાં એક કદાવર નેતૃત્વ છુપાયેલું છે. એ સમયે ભાજપનો ઉદયકાળ ચાલી રહ્યો હતો. કોંગ્રેસની જડ મરી પરવારી નહોતી. વળી ભાજપને તરવરિયા યુવાનોની જરૂર હતી અને આવા જ ગણિત સાથે સી.આર. પાટિલને એક સાંજે સુરતના કોટસફીલ રોડ ઉપરની ભાજપની ચૂંટણી સભામાં વિધિવત્ કેસરિયો પહેરાવવામાં આવ્યો હતો. લગભગ સ્વ.નરેન્દ્ર ગાંધી સી.આર. પાિટલને લઈ આવ્યા હતા. પોલીસદળમાંથી આવતા સી.આર. પાટિલમાં હિંમત, સાહસ અને આયોજનશક્તિ ભરપૂર હતાં.
સી.આર. પાટિલનો સાહસિક ઇતિહાસ જેમણે જોયો છે તેમને પુરાવા આપવાની જરૂર નથી. વળી નવી પેઢીના લોકોને સી.આર. પાટિલની આયોજનશક્તિનો જરૂર પરિચય મળી ગયો હશે. લક્ષ્ય પાર પાડવા અર્જુન જેવું મક્કમ મનોબળ ધરાવતા સી.આર. પાટિલે વીતેલા દાયકાઓ દરમિયાન હાથમાં લીધેલી કે નેતાગીરીએ વિશ્વાસ મૂકીને સોંપેલી જવાબદારી સો ટકા સફળતા સાથે પાર પાડી છે અને લોકોમાં ભાજપની જડ વધુ મજબૂત બનાવવા સખત મહેનત કરી છે અને કરી રહ્યા છે. ખાસ કરીને દિક્ષણ ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવે છે અને એક એવી માન્યતા હતી કે, આદિવાસી પરિવારો ક્યારેય પણ ભાજપના પ્રભાવમાં આવે નહીં. પરંતુ સી.આર. પાટિલે આ આખી માન્યતા બદલી નાંખી છે. પાંખી વસ્તી ધરાવતા ગામડાંઓથી શરૂ કરીને તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગર પાલિકાઓમાં આજે ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. આનાથી પણ આગળ વધીને સહકારી ક્ષેત્રમાં પણ ભાજપનો દબદબો પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે, બલ્કે એવું કહી શકાય કે, દિક્ષણ ગુજરાત ઉપરાંત હવે ગુજરાતભરમાં વિપક્ષની કહેવા પૂરતી પણ હાજરી નથી.

કેશુબાપાની સરકારથી વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર સુધીમાં સી.આર. પાટિલનું વિશેષ વર્ચસ્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુભવે સી.આર. પાટિલની આયોજનશક્તિ અને સતત કામ કરવાની દોડતા રહેવાની શક્તિનો અંદાજ છે અને એટલે જ તેમને કેન્દ્રીય મંત્રી મંડળમાં સીધા કેબિનેટ મંત્રી બનાવવા ઉપરાંત ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સતત મુદ્દતમાં વધારો કરતાં રહીને ચાલુ રાખ્યા છે. આજે ૨૦ જુલાઈએ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટિલનાં પાંચ વર્ષ પૂરાં થયા, પરંતુ ગુજરાતનું સુકાન બીજાના હાથમાં સોંપવામાં આવે એવી હાલત દેખાતી નથી.
સી.આર. પાટિલની રાજકીય અને સામાજિક કારકિર્દીનો ઇતિહાસ ખૂબ લાંબો અને રોમાંચક રહ્યો છે. તેઓએ વિપરીત સંજોગોમાં પણ ક્યારેય હાર સ્વીકારી નથી. પ્રતિકૂળ સંજોગોને પણ કઈ રીતે અનુકૂળ બનાવી શકાય એ વાત તેઓ નરેન્દ્ર મોદી પાસેથી શીખ્યા છે ‘આફતને પણ અવસરમાં બદલી શકાય’. આ સૂત્ર વડાપ્રધાન મોદીએ તેમને આપ્યું હતું અને આ વાત સી.આર. પાટિલ ખૂબ જ સારી રીતે સમજી રહ્યા છે. પરિણામે વિપરીત સંજોગોમાં પાછીપાની કરી નથી.શંકરસિંહ બાપુનો બળવો અને ‘રાજપા’ પાર્ટીનું સર્જન, કેશુબાપાની સરકારનું પતન અને ખુદ કેશુબાપાની આગેવાની હેઠળ ભાજપ સામે બળવો કરીને જીપીપી એટલે ‘ગુજરાત પરિવર્તન પાટી’ની રચના કરીને પોતીકા લોકોએ જ ભાજપ સામે માંડેલા મોરચા વખતે પણ સી.આર. પાટિલ એક અડીખમ યોદ્ધાની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પડખે ઊભા રહ્યા હતા.
કેશુબાપાના બળવા વખતે તો સુરત રાજકીય પરિવર્તનનું કેન્દ્ર હતું. એક-એકથી ચઢિયાતા ધુરંધરો ભાજપની સામે ઊભા હતા. લોકોએ પણ માની લીધું હતું કે, હવે ભાજપની સરકાર નહીં બને. સંજોગો એટલી હદે વિપરીત હતા કે, જાણે રાજકીય પરિવર્તનનું વાવાઝોડું ફરી વળ્યું હતું. પરંતુ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ બળવો કરનારાઓને મોઢું છુપાવવા જેવી પણ હાલત રહેવા દીધી નહોતી. એ એવા દિવસો હતા કે, ભલભલા લોકો રાજકીય પક્ષ બદલવા લલચાઈ જાય. પરંતુ સી.આર. પાટિલ અને તેમના સમર્થકોની ટીમે સતત દિવસ-રાત આહલેક જગાવીને પ્રજામાં ભાજપની જડને વધુ મજબૂત કરવાનું કામ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો હતો.
વળી એક એ વાત પણ આશ્ચર્યજનક છે કે, સી.આર. પાટિલે ક્યારેય પણ પક્ષમાં કે સરકારમાં હોદ્દાની માંગણી કરી નથી. પક્ષની નેતાગીરીએ જે કામ સોંપ્યું તે સાર્થક કરી બતાવતા આવ્યા છે. સી.આર. પાટિલ ક્યારેય પણ મહાનગરપાલિકા કે વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી છતાં પોતીકા પક્ષનાં ઉમેદવારોને જિતાડવા બધી જ શક્તિ કામે લગાડી દેવામાં પીછેહઠ કરી નથી. ઉમેદવારનો ગમો-અણગમો બાજુમાં મૂકીને ચૂંટણી લડતા ભાજપનાં ઉમેદવારની સાથે રહ્યા છે. તેમની રાજકીય તાકાતનો પરચો ગત ૨૦૨૨ના વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે, કોંગ્રેસનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકો મેળવવાનો રેકોર્ડ કોઈએ તોડ્યો નથી. આ રેકોર્ડ સી.આર. પાટિલનાં નેતૃત્વમાં ભાજપે તોડ્યો હતો અને ૧૮૩ બેઠકોમાંથી ૧૫૬ બેઠકો ભાજપે કબજે કરી હતી. વળી ૨૦૨૨ની ચૂંટણી સાવ આસાન નહોતી. હરીફ પક્ષે કોંગ્રેસ ઉપરાંત અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી હતી અને તેમ છતાં ભાજપે ૧૫૬ બેઠકો કબજે કરીને નવો વિક્રમ હાંસલ કર્યો હતો.
ગુજરાતની ચૂંટણીઓ બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી.આર. પાટિલની ભરપેટ સરાહના કરીને ભાજપનાં ‘‘અસલી હીરો’’ તરીકે પીઠ થપથપાવી ત્યારે કદાચ પહેલીવાર સી.આર. પાટિલની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા. પરંતુ જ્વંલત જીતનો તેમણે ક્યારેય નશો કર્યા વગર ગુજરાતની જીતનો સમગ્ર યશ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાને આપ્યો હતો. સી.આર. પાટિલના માનવા મુજબ હજુ પણ ભાજપ કાર્યકરોની ઓળખ પક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે જ છે. દેશના લોકોમાં વડાપ્રધાન મોદીની ગજબ લોકચાહના છે. લોકો પક્ષની વિચારધારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપીને પસંદગી કરી રહ્યા છે.
સી.આર. પાટિલની ચાર દાયકાની રાજકીય સફરનો ઇતિહાસ ખૂબ લાંબો અને અનેક સંઘર્ષ અને સફળતાઓથી ભરેલો છે. સુરતનાં સ્વ.મનહરલાલ ચોક્સીએ સી.આર. પાટિલ માટે કરેલું ફળકથન આજે અક્ષરશઃ સાચું પડી રહ્યું છે. ડૉ.મુકુલ ચોક્સીનાં પિતા અને વ્યવસાયે શિક્ષક મનહરલાલ ચોક્સીનું જ્યોતિષશાસ્ત્રનું ગજબનું જ્ઞાન હતું અને જ્યારે સી.આર. પાટિલની જાહેરજીવનમાં કોઈ જાણીતી પ્રતિભા નહોતી એ સમયે સ્વ.મનહરલાલ ચોક્સીએ કહ્યું હતું કે, સી.આર. પાટિલ એક દિવસ રાજકીય ક્ષેત્રે અને સરકારમાં સર્વોચ્ચ સત્તા સ્થાને હશે.એ દિવસોમાં સ્વ.મનહરલાલ ચોક્સીનાં કથનને ઘણાં લોકોએ હળવાશથી અને મજાકમાં લીધું હતું, પરંતુ મનહરલાલ ચોક્સીનું કથન હજુ અધૂરું છે.ખેર, અદ્ભુત આયોજનશક્તિ ધરાવતા સી.આર. પાટિલની માત્ર ચાર દાયકાની રાજકીય સફરમાં મેળવેલા, હાંસલ કરેલા અને સામાજિક જીવનમાં લાવેલા બદલાવનો ઇતિહાસ ખૂબ લાંબો છે. સી.આર. પાટિલ પરંપરાગત પેઢીની વિચારધારા બદલવામાં માહિર પુરવાર થયા છે. જેની ગળથૂથીમાં કોંગ્રેસ હતી એવા પરિવારોની નવી પેઢી આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અતૂટ વિશ્વાસ ધરાવે છે.
સી.આર. પાટિલને કેન્દ્રીય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી બનાવવા સાથે ‘જળશક્તિ મંત્રાલય’ સોંપવામાં આવ્યું એ પૂર્વે કોઈને ખ્યાલ પણ નહોતો કે, કેન્દ્ર સરકારમાં ‘જળશક્તિ મંત્રાલય’ નામનો વિભાગ છે. જવાબદારી મળ્યાનાં ગણતરીનાં સમયમાં સી.આર. પાટિલે દેશભરમાં જળશક્તિ મંત્રાલયનું નામ ગૂંજતું કરી દેવા સાથે કેન્દ્રીય મંત્રી મંડળમાં ‘ટોપ ટેન’ મંત્રીઓમાં પોતાનું નામ અને સ્થાન અંિકત કરી દીધું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વરિષ્ઠ મંત્રીઓએ સી.આર. પાટિલનાં નિવાસસ્થાને રાત્રિભોજન લઈને લાંબી મંત્રણાઓ કરી હતી. આ ઘટના સી.આર. પાટિલની વધુ એક આયોજનશક્તિનો પુરાવો આપે છે.
હમણાં થોડા દિવસ પહેલા વડોદરા જિલ્લામાં મહીનદીનો બ્રિજ તૂટી પડવા ઉપરાંત સુરત નજીકનાં તાપી બ્રિજમાં ભંગાણ પડવાનો ભય ઊભો થતાં સી.આર. પાટિલે તાબડતોબ કેન્દ્રીય માર્ગ-પરિવહન મંત્રી ગડકરીનો સંપર્ક કરીને સુરત જિલ્લામાંથી પસાર થતો નવો રાષ્ટ્રીય એક્સપ્રેસ-વે તત્કાળ અને ઉદ્ઘાટન કર્યા વગર લોકો માટે ખુલ્લો મુકાવી દીધો હતો. કદાચ નવો એક્સપ્રેસ-વે અને નવો તાપી બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો ન હોત તો સુરતથી પસાર થતા નેશનલ હાઈ-વે ૪૮ ઉપર ઊભા રહેવાની પણ જગ્યા ન હોત અને વાહનોનો માઈલો સુધી ખડકલો થઈ ગયો હોત.
સી.આર. પાટિલની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ભલે મુદ્દત પૂરી થઈ અને પાંચ વર્ષ થઈ ગયાં, પરંતુ સંગઠન અને સરકાર ચલાવવા માટે મજબુત નેતૃત્વ નહીં મળે ત્યાં સુધી ફેરફાર થવાનો કોઈ અંદાજ નથી. કારણ કે લોકોને હવે નબળું નેતૃત્વ સ્વીકાર્ય નથી અને કેન્દ્રીય નેતૃત્વ આ બાબત ખૂબ સારી રીતે જાણે છે.