Sunday, Oct 5, 2025

હાક, ધાક અને શાખથી ગુજરાત ભાજપને અકબંધ રાખનાર સી.આર.પાટિલનો વિકલ્પ મળવો મુશ્કેલ

8 Min Read
  • નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદે વરણી બાદ ગુજરાતના પોતીકાઓના અસંતુષ્ટોએ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારો બદલવાની ફરજ પાડી હતી
  • પરંતુ સી.આર.પા‌િટલની પ્રદેશ પ્રમુખપદે વરણી બાદ પક્ષના પોતીકા તો ઠીક, બહારના અસંતુષ્ટો પણ ભાજપ સરકારને હલાવી શક્યા નહોતા
  • પક્ષમા આંતરિક અસંતોષ ઉપર કાબૂ મેળવવા ઉપરાંત પ્રત્યેક ચૂંટણીઓમાં ભાજપ તરફી ઝળહળતાં પરિણામો મેળવ્યા હતાં અને વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના ઇતિહાસમાં ૧૫૬ બેઠકો મેળવીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો
  • ગામડાની ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ કબજે કરવા ઉપરાંત ભાજપની ‘જડ’ વધુ મજબૂત બનાવી ગુજરાતમાં ભાજપની કિલ્લેબંધી કરી દીધી
  • ગ્રામ્ય જીવન અને ખેડૂતો સાથે સંકળાયેલી સહકારી મંડળીઓ, સંસ્થાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાવીને સી.આર.પાટિલે પોતાની રાજકીય પીઢતા, મુત્સદ્દીપણું પુરવાર કર્યા હતા

આખરે ગુજરાત ભાજપને નવા પ્રદેશપ્રમુખ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને સત્તાવાર ચૂંટણી જાહેર કરવામાં આવી છે. વર્તમાન પ્રદેશપ્રમુખ સી.આર.પા‌ટિલ પાંચ વર્ષ પૂરાં કરીને છઠ્ઠા વર્ષમાં કારભાર સંભાળી રહ્યા છે. વીતેલા પાંચ વર્ષના ગુજરાત ભાજપના લેખાજોખા કરવામાં આવે તો સી.આર.પા‌ટિલે ગુજરાત ભાજપને સક્ષમ નેતૃત્વ પૂરું પાડીને ગુજરાત ભાજપની ‘જડ’ વધુ મજબૂત બનાવવા સાથે સરકાર અને સંગઠન બંનેને વધુને વધુ સુદ્રઢ બનાવ્યા છે. રાજ્ય સરકારને વધુ મજબૂત અને અસરકારક બનાવવા સાથે સરકારમાં ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ ઐતિહાસિક કક્ષાએ લઇ જવામાં સિંહ ફાળો આપ્યો હતો. ગુજરાત સરકારના ભૂતકાળના રેર્કોડો તોડીને ૧૫૬ ધારાસભ્યોનું સંખ્યાબળ લઇ આવવા સાથે ગુજરાતના ગામડાઓની ગ્રામ પંચાયતથી શરૂ કરીને તાલુકા, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને મહાપાલિકાઓમા સાર્વત્રિક ભાજપનું શાસન સ્થાપવામાં કલ્પી શકાય નહીં એવી ભૂમિકા અદા કરવા સાથે લક્ષ્યાંકો પાર પાડ્યા હતા. આનાથી પણ આગળ વધીને ખાસ કરીને ગ્રામ્ય લોકો સાથે સંકળાયેલી સહકારી મંડળીઓમાં પણ ભાજપ પ્રેરિત હોદ્દેદારોની વરણી કરાવવામાં અદ્‍ભુત સફળતા હાંસલ કરી છે.મતલબ ગુજરાતના છેવાડાના ગામડાથી શરૂ કરીને મહાનગરો અને રાજ્ય સરકાર સુધી સાર્વત્રિક ભાજપની વિજયપતાકા લહેરાવીને સમગ્ર ગુજરાતમાં કિલ્લેબંધી કરી દીધી છે. બલ્કે હવે પછી આવનારા ભાજપનો નવો પ્રદેશપ્રમુખ સી.આર.પા‌ટિલ જેટલું સજ્જડ અને સફળ આયોજન કરી શકશે કે તેની સામે ચોક્કસ શંકા વ્યક્ત કરી શકાય. કારણ કે સી.આર.પા‌ટિલે ગુજરાત ભાજપને રાજકીય પાર્ટી હોવા છતાં સેનાની શિસ્તની માફક જાળવી રાખવા સાથે લોકોના ભાજપ પ્રત્યેના વિશ્વાસમાં સતત વધારો કર્યો છે.

કેટલીક વખત પક્ષના કાર્યકરો માટે સી.આર.પા‌ટિલ આકરા પુરવાર થયા હશે પરંતુ સરકાર અને પક્ષનું શાસન સક્ષમ અને લોકાભિમુખ ચલાવવા માટે એક પ્રમુખ હોવાના નાતે આકરા થવું અનિવાર્ય હતું.ઘણી વખત પક્ષના આંતરિક અણબનાવ અને સર્વોપરિ પુરવાર થવાની લહાયમાં ખટરાગ પણ થયા હતા. થોડા સમય પહેલા ભાજપના જ પોતીકા લોકો દ્વારા પત્રિકાકાંડ પણ થયા હતા, પરંતુ પક્ષની આબરૂનું લીલામ કરનાર આવા પત્રિકાકાંડ કરનારાઓને સી.આર.પા‌ટિલે જબરદસ્ત પાઠ ભણાવીને ઠેકાણે પાડી દીધા હતા. આવા અસંતુષ્ટો ફરી કુચેષ્ટા કરવાની હિંમત કરી શક્યા નથી. પ્રારંભે સુરતથી શરૂ કરીને રાજકોટ, અમરેલી, અમદાવાદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં પોતીકાજ અસંતુષ્ટોએ પોતાનુ ધાર્યું કરાવવા પત્રિકાકાંડ ચલાવ્યા હતા. પરંતુ આજે આવા લોકો શોધ્યા પણ મળતા નથી. વળી ભાજપ છોડીને સામે આવવાની પણ હિંમત કરી શકતા નથી. આવા લોકો સમયની રાહ જોઇને બેઠા હતા, પરંતુ સી.આર.પા‌ટિલે એકને પણ તક આપી નહોતી. વળી અસંતુષ્ટો બળવો કરી શકે એવી સ્થિતિમાં પણ નહોતા.

સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગરમાં ઘણા લોકોએ ઉધામા કર્યા, પરંતુ ભૂગર્ભમાં પણ ભાજપને નુકસાન પહોંચાડી શક્યા નહોતા. કોઇ પણ રાજકીય પક્ષ માટે સરકાર બનાવવી એ સૌથી પહેલું લક્ષ્ય હોય છે. સી.આર.પા‌િટલે પક્ષના સુકાની તરીકે આ લક્ષ્ય સાકાર કરવા ઉપરાંત ગુજરાતભરમાં ભાજપની વિચારધારાને એક આંદોલનના રૂપમાં પ્રસ્થાપિત કરી દીધી હતી.પ્રદેશ પ્રમુખપદે બબ્બે ટર્મ પૂરી કરવા ઉપરાંત કેન્દ્ર સરકારમાં સી.આર.પાટિલ કેબિનેટ મંત્રી હોવાથી નવા પ્રદેશપ્રમુખની વરણી અનિવાર્ય હતી, પરંતુ ભાજપની કેન્દ્રીય નેતાગીરી ગુજરાતમાં ભાજપની જડ વધુ મજબૂત બનાવવા ઇચ્છતી હોવાથી સી.આર.પાટિલને બદલવાની ઉતાવળ નહોતી. જોકે નેતાગીરીના મોટાભાગના લક્ષ્યાંકો સિદ્ધ થઇ ચૂક્યા હોવાથી સી.આર.પાટિલની ક્ષમતાનો અન્યત્ર ચોક્કસ ઉપયોગ કરાશે.

સી.આર.પાટિલ કેન્દ્રીય મંત્રી મંડળના કેબિનેટ મંત્રી હોવા ઉપરાંત ગુજરાત પ્રદેશપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી રહ્યા હતા. આ ઉપરાંત બિહારમાં ચૂંટણીના સહપ્રભારી તરીકે પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. મતલબ ભાજપની કેન્દ્રીય નેતાગીરી સી.આર.પાટિલના સક્ષમ નેતૃત્વને હવે કદાચ નવી અને મહત્ત્વની જવાબદારી સોંપવા માટે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા ઇચ્છતી હશે. વર્તમાનમાં સી.આર.પાટિલ કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં એકથી દસમાં સ્થાન ધરાવે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત ભરોસાપાત્ર છે.તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરતની મુલાકાત દરમિયાન સી.આર.પાટિલના નિવાસે મુલાકાત લેવા સાથે રાત્રિભોજન પણ કર્યું હતું અને લાંબી ચર્ચાઓ કરી હતી મતલબ અમિત શાહ અને સી.આર.પાટિલ વચ્ચેની આત્મીયતામાં જાદુઇ પરિવર્તન જોવા મળ્યું હતું. અમિત શાહે સુરતના તેમના નિર્ધારિત કાર્યક્રમમાં સી.આર.પાટિલને સાથે રાખ્યા હતા અને ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન વખતે પણ સી.આર.પાટિલના હાથે પણ ભૂમિપૂજન કરાવ્યું હતું. અમિત શાહની સુરતની મુલાકાત અને સી.આર.પાટિલના નિવાસસ્થાને સાથે બેસીને ભોજન લેવાની ઘટના ઘણા રાજકીય વમળો છોડી ગઇ હતી અને એક સકારાત્મક સંદેશો પાઠવ્યો હતો.

સી.આર.પાટિલે કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રી તરીકેના ટુંકાગાળામાં જળશક્તિ મંત્રાલયનો લોકોને અહેસાસ કરાવ્યો હતો અને જળસંગ્રહના ક્ષેત્રે જબરજસ્ત પરિવર્તન લાવવા સાથે લોકોને જળશક્તિ મંત્રાલય હોવાની અનુભૂતિ કરાવી હતી.ખેર, ગુજરાતના કેટલાક પ્રદેશોમાં પાછલા કેટલાક સમયથી ભાજપની છાવણીમાં ભૂગર્ભમાં અસંતુષ્ટો પક્ષની છબીને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જો આવી પ્રવૃત્તિને ઊગતા જ ડામી દેવામાં નહીં આવે તો લાંબાગાળે પક્ષને નુકસાન પહોંચાડી શકે. સત્તામાં મહત્વનું પદ મેળવવા માટે ઉધામા કરતા પક્ષના અસંતુષ્ટો હવે ખાનગી રહ્યા નથી. પરંતુ આવા અસંતુષ્ટોને કોલરમાંથી પકડીને બેનકાબ કરી શકે એવા સબળ નેતૃત્વની સંગઠન અને સરકાર બન્ને પક્ષે જરૂર છે. કોઇ નબળી વ્યક્તિને પ્રમુખનો તાજ પહેરાવવામાં આવશે તો સી.આર.પાટિલે ધાકથી, હાકથી અને વહેવારથી ટકાવી રાખેલા ભાજપના ગઢના કાંગરાઓને નુકસાન થવાનો પૂરેપૂરો ભય છે. ભૂતકાળમાં કેશુબાપા, કાશીરામ રાણા જેવા દિગ્ગજ નેતાઓ ભાજપને સત્તા સુધી લઇ આવવામાં સફળ રહ્યા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપનો ઝંઝાવાત ઊભો કરી દીધો હતો. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમલમાં મૂકેલી એક એક યોજના શાળામાં ભણતા પહેલા ધોરણના બાળકથી શરૂ કરીને કોર્પોરેટ ઉદ્યોગજગત અને ખેતરમાં કામ કરતા ખેડૂત સુધી સ્પર્શી ગઇ હતી. ગુજરાતના લોકો આજે પણ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂલ્યા નથી.નરેન્દ્ર મોદીની ગુજરાતમાંથી વિદાય અને વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત ભાજપે અનેક ચઢાવ-ઉતાર જોયા, આંદોલનો પણ જોયા અને સરકારો પણ બદલવી પડી, પરંતુ સી.આર.પાટિલને પ્રદેશ પ્રમુખપદની જવાબદારી સોંપાયા બાદ ગુજરાતને એકપણ ખૂણામાં ભાજપમા કે રાજ્યમાં અસંતુષ્ટોના ઉધામાને કોઇ સ્થાન મળવા દીધું નથી. કારણ અસંતુષ્ટોને ખ્યાલ આવી ગયો કે પક્ષમાં રહેવું હશે તો શિસ્તમાં રહેવું પડશે. સી.આર.પાટિલે ઊભી કરેલી હાક, ધાક અને પક્ષની શાખ જાળવી રાખે એવો સુકાની પસંદ કરવામાં નહીં આવે તો કદાચ ગુજરાત ભાજપમાંથી જ પોતીકા અને બહારના વિદ્રોહીઓને પોતાનું ધાર્યું કરાવવાની તક મળી જશે અને એક વાત ચોક્કસ છે કે ગુજરાત ભાજપમાં ઉપરથી દેખાય છે એટલું ‘અકબંધ’ નથી.

Share This Article