તુર્કીની આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું કે બુધવારે ઇસ્તંબુલમાં 6.2 ની પ્રાથમિક તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોઈ નુકસાન કે ઈજાના તાત્કાલિક અહેવાલ નથી.
યુનાઇટેડ સ્ટેટ્સ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, ભૂકંપ 10 કિલોમીટર (લગભગ 6 માઇલ) ની ઊંડાઈમાં હતો. તેનું કેન્દ્ર ઇસ્તંબુલથી લગભગ 40 કિલોમીટર (25 માઇલ) દક્ષિણપશ્ચિમમાં મારમારાના સમુદ્રમાં હતું. ત્યારબાદ અનેક આફ્ટરશોક્સ આવ્યા, જેમાં 5.3 ની તીવ્રતાનો એક આંચકો પણ સામેલ હતો. આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સીએ રહેવાસીઓને ઇમારતોથી દૂર રહેવા વિનંતી કરી.
અહેવાલો મુજબ, આ ઝટકો આસપાસના ઘણા વિસ્તારોમાં પણ મહેસૂસ થયો હતો. ટર્કી બે મુખ્ય ફોલ્ટ લાઇનો વચ્ચે આવેલું છે, જેના કારણે અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે. નોંધનીય છે કે 6 ફેબ્રુઆરી 2023ના રોજ 7.8 તીવ્રતાનો ભૂકંપ અને ત્યારબાદ આવેલા એક વધુ શક્તિશાળી ઝટકાથી ટર્કીના દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ ભાગોમાં ભારે તબાહી મચી હતી, જેમાં 11 પ્રાંતોમાં લાખો ઇમારતો ધરાશાયી અથવા નુકસાનગ્રસ્ત થઇ ગઈ હતી અને 53,000થી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા. સાથે જ પાડોશી દેશ સીરીયાના ઉત્તર ભાગમાં પણ આશરે 6,000 લોકોનાં જીવ ગયા હતા.