હમાસ અને ઇઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધ વિરામના પહેલા તબક્કામાં બને તરફથી બંધકોને છોડવામાં આવ્યા હતાં અને વિસ્થાપિત થયેલા પેલેસ્ટીનીયન્સને ઘરે પરત ફરવાની મંજુરી આપવામાં આવી હતી, ત્યાર બાદ શાંતિ સ્થાપવાની આશા દેખાઈ હતી. એવામાં ઈઝરાયેલે ફરીથી ગાઝા પર એર સ્ટ્રાઈક શરુ કરી છે, આ સાથે જ ઈઝરાયેલે યુદ્ધવિરામ કરારને એકપક્ષીય રીતે ઉથલાવી દીધો છે. ઇઝાયેલની એર સ્ટ્રાઈકમાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે.
ગાઝામાં તૈનાત ડોક્ટરો અને સાક્ષીઓના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝાના દેઇર અલ-બલાહમાં ત્રણ ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો, ગાઝા શહેરમાં એક ઇમારત પર હુમલો કરવામાં આવ્યો હતો, અને ખાન યુનિસ અને રફાહમાં પણ લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
અહેવાલ અનુસાર ગાઝા પર ઇઝરાયલી હુમલામાં આર્મ્ડ રેઝિસ્ટન્સ ગ્રુપ હમાસના વરિષ્ઠ અધિકારી મહમૂદ અબુ વત્ફાનું મોત થયું છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) અને ઇઝરાયલ સુરક્ષા એજન્સીએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ ગાઝા પટ્ટીમાં હમાસના ટાર્ગેટ્સ પર હુમલાઓ કરી રહ્યા છે. અહેવાલ મુજબ સોમવારે ગાઝા હુમલા માટે ઇઝરાયલ દ્વારા વ્હાઇટ હાઉસની સલાહ લેવામાં આવી હતી.
ગયા અઠવાડિયે, ટ્રમ્પ વહીવટીતંત્રે યુદ્ધવિરામ લંબાવવાનો પ્રયાસ કર્યો અને બંને પક્ષો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. કતારની રાજધાની દોહામાં યોજાયેલી આ વાતચીત કોઈ પરિણામ વિના સમાપ્ત થઈ ગઈ હતી. વ્હાઇટ હાઉસે કહ્યું કે, હમાસે તેના પ્રસ્તાવને ફગાવી દીધો. સ્થાનિક સમય અનુસાર, સવારે 2 વાગ્યે હવાઈ હુમલો શરૂ થયો હતો. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ 7 ઓક્ટોબર 2023 ના રોજ શરૂ થયું, જ્યારે હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી યુદ્ધમાં 48,000 પેલેસ્ટિનિયન માર્યા ગયા હોવાના અહેવાલો છે.