ઇઝરાઇલે ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો, PM મોદીનું ટ્વિટ, કહ્યું ‘ચિંતાનો વિષય

Share this story

ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં ૫૦૦ લોકોના મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો અને આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે આ હુમલામાં સામેલ લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં જાન-માલના દુ:ખદ નુકશાનથી ઊંડો આઘાત. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ. ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. આમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.

હમાસે ૭ ઓક્ટોબરે ઈઝરાઇલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. જવાબમાં, ઈઝરાઇલ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યાંકો પર સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૩૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.

હમાસ અને ઈઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની અલ-અહલી અરબ હોસ્પિટલમાં બ્લાસ્ટમાં ૫૦૦ લોકોના મોત થયા હતા. પેલેસ્ટાઈને દાવો કર્યો છે કે આ હોસ્પિટલ ઈઝરાયેલના હવાઈ હુમલાનો ભોગ બની છે. જ્યારે ઈઝરાઇલ આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલા રોકેટના મિસફાયરને કારણે આ દુર્ઘટના થઈ હતી. ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ જ્યાં આ હુમલો થયો તે ઉત્તરી ગાઝામાં છે. આ હોસ્પિટલ એંગ્લિકન ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે. હમાસ અને ઈઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો લોકોએ આ હોસ્પિટલમાં આશરો લીધો હતો. આ કારણે પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે હોસ્પિટલ હુમલામાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. કારણ કે હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

આ પણ વાંચો :-