આવતીકાલે મારવાડી યુનિવર્સીટીમાં વાઈબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાનની સાથે કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ અને દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ રીજીયોનલ વાઇબ્રન્ટ કોન્ફ્રન્સમાં હાજરી આપનાર છે. જેને પગલે શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી છે.
વડાપ્રધાનના આગમનને પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાની કમાન એસપીજી કમાન્ડોએ સંભાળી લીધી છે અને આજે રાજ્યના ડીજીપી ડો. કે.એલ.એન. રાવ અને આઈબીના વડાએ પણ રાજકોટમાં ધામા નાખી આખે આખી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરનાર છે.
આવતીકાલથી મારવાડી યુનિવર્સીટી કેમ્પસ ખાતે રીજીયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ હાજર રહેનાર છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી, રાજ્ય સરકારના મંત્રીઓ, દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ સહીતની મોટી સંખ્યામાં હાજરી રહેનાર છે.
ત્યારે વીવીઆઈપી મુવમેન્ટને પગલે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને કચ્છ બોર્ડર એકમનાં રેન્જ આઇજીની અધ્યક્ષતામાં અભેદ્ય સુરક્ષા વ્યવસ્થાની સ્કીમ ઘડી કાઢવામાં આવી છે. બે રેન્જ આઇજીની અધ્યક્ષતામાં કુલ 4500 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેનાર છે. બીજી બાજુ એસપીજી કમાન્ડોએ સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળી લીધી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આજે બપોરથી વડાપ્રધાનનું હેલિકોપ્ટર જયા લેન્ડ થશે તે બેડી યાર્ડ ખાતે બનાવવામાં આવેલ હેલિપેડ, રૂટ, મારવાડી યુનિવર્સીટી સહિતના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનના આગમનને પગલે રાજ્ય પોલીસ વડા ડો.કે.એલ.એન. રાવ અને આઈબીના વડા બપોરે રાજકોટ પહોંચ્યા હતાં. તેઓ વડાપ્રધાન સહિતના નેતાઓના આગમનને પગલે ઘડાયેલી સુરક્ષા વ્યવસ્થાબિ સમીક્ષા કરી છે. તેઓ બંદોબસ્ત સ્કીમની આખેઆખી વિગતો મેળવી પરિસ્થિતિનો તાગ મેળવનાર છે.
વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન અને બે દિવસ ચાલનાર વાઈબ્રન્ટ સમીટના આયોજનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં રાજકોટ રેન્જ આઈજી અને બોર્ડર રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ 11 ડીસીપી 30 એસીપી, 90 પીઆઈ, 235 પીએસઆઈ, 2560 પોલીસમેન અને સાથે હોમગાર્ડ, ટીઆરબીના જવાનો પણ સુરક્ષામાં ખડેપગે રહેશે. ઉપરાંત એસઆરપીની 3 કંપનીના 210 જવાનો પણ પણ સુરક્ષા વ્યવસ્થામાં સાથે રહેશે.