ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો આખરે અંત આવ્યો છે કે નહિ તે સવાલ વધુ ગૂંચવાડાભર્યો બની ગયો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી અને યુદ્ધ વિરામની જાહેરાત બાદ પણ ઈરાને ઈઝરાયલના તેલ અવીવ પર 3 વાર મિસાઈલ એટેક્સ કર્યા છે. ઈઝરાયલી સંરક્ષણ દળે કહ્યું કે, ઈરાને 1 કલાકમાં 3 વખત મિસાઈલ હુમલા કર્યા છે અને તેમાં 4 ઈઝરાયલી નાગરિકો પણ માર્યા ગયા છે. ઈઝરાયલ પરના હુમલાને કારણે તેલ અવીવમાં સાયરન વાગ્યા અને લોકો સુરક્ષિત સ્થળોએ દોડી ગયા છે.
છેલ્લી ક્ષણ સુધી લડવા ઈરાન મક્કમ
યુદ્ધ વિરામ અમલમાં આવ્યા પછી ઈરાનના હુમલાઓ દર્શાવે છે કે, તે છેલ્લા શ્વાસ સુધી લડવા માંગે છે. ઉપરાંત, તાજેતરના હુમલાઓ અમેરિકાને સંદેશ આપે છે કે ઈરાન કોઈના દબાણ હેઠળ યુદ્ધવિરામ સ્વીકારી રહ્યું નથી. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ તાજેતરના હુમલાઓ વિશે કહ્યું છે કે, આપણું શક્તિશાળી લશ્કરી દળ ઈઝરાયલને છેલ્લી ઘડી સુધી તેના હુમલાઓ માટે સજા આપશે.
તેમણે કહ્યું, ‘બધા ઈરાનીઓ સાથે, હું આપણા બહાદુર સશસ્ત્ર દળોનો આભાર વ્યક્ત કરું છું જેઓ તેમના લોહીના છેલ્લા ટીપા સુધી દેશનું રક્ષણ કરવા તૈયાર છે અને જેમણે છેલ્લી ક્ષણ સુધી દુશ્મનના કોઈપણ હુમલાનો જવાબ આપ્યો છે.